સુરેન્દ્રનગર, 23 જાન્યુઆરી 2026: થાનગઢમાં સરકારી જમીનો પર વર્ષોથી દબાણો થયેલા છે. અગાઉ નોટિસ આપવા છતાંયે દબાણો હટાવાયા નહોતા. આથી ચોટિલાના નાયબ કલેકટર એચ.ટી મકવાણાના નેતૃત્વમાં મુળી મામલતદાર સહિતની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. રાત્રે 1 વાગ્યાથી શરૂ થયેલી આ મેગા ડિમોલિશન ઝુંબેશમાં અંદાજે 210 કરોડથી વધુની બજાર કિંમત ધરાવતી 52 વીઘા જમીન ખૂલ્લી કરાવવામાં આવી છે. લગભગ 20 કલાક સુધી દબાણ હટાવાની કામગીરી ચાલુ રહી હતી.
થાનમાં સરકારી જમીન પર વર્ષોથી દબાણો ખડકાયેલા છે. નોટિસ આપવા છતાંયે દબાણકારો ગાંઠતા નહતા. થાનના સૂર્યા ચોકથી તરણેતર જવાના રસ્તા પર આવેલા સર્વે નંબર 79, 81, 89 અને 349 પર વર્ષોથી પાકા બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા કુલ 260 જેટલા દબાણો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં 231 કોમર્શિયલ દુકાનો (જેનો ઉપયોગ વ્યવસાયિક હેતુ માટે થતો હતો), 7 સેનેટરી વેરના કારખાના, દુકાનોમાં ગેરકાયદે રીતે બનાવવામાં આવેલી આશાપુરા હોસ્પિટલ, સરકારી જમીન પર તાણી બાંધવામાં આવેલા 17 રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે. રાત્રે 1 વાગ્યાથી શરૂ થયેલી આ મેગા ડિમોલિશન ઝુંબેશમાં અંદાજે 210 કરોડથી વધુની બજાર કિંમત ધરાવતી 52 વીઘા જમીન ખૂલ્લી કરાવવામાં આવી છે.
ઓગસ્ટ 2025માં નોટિસ આપવા છતાં દબાણ ન હટાવનારા તત્વો સામે આ કાર્યવાહીથી સમગ્ર જિલ્લાના ભૂ-માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોટીલા અધિકારીની કાર્યવાહી બાદ લોકોમાં સવાલો ઉઠ્યા છે કે 20 વર્ષ થી દબાણો હતા. થાન નગરપાલિકાએ માપણી કરી દૂર કરવા જોઇતા હતા, તેમણે કઇ ના કર્યું માટે જવાબદાર અધિકારી અને પાલિકાના પદાધિકારીઓની જવાબદારી ફિક્સ થવી જોઇએ.

