
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પણ આપ તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખશે
નવી દિલ્હીઃ ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય થયો હતો. જ્યારે પ્રથમવાર તમામ બેઠકો ઉમેદવાર ઉભા રાખનારી આમ આદમી પાર્ટીને પણ પાંચ બેઠકો મળી હતી. એટલું જ નહીં કેટલીક બેઠકો ઉપર આપના ઉમેદવારો બીજા ક્રમ ઉપર રહ્યાં હતા. જેથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોના ઉત્સાહમાં વધારો થયો છે. દરમિયાન હવે ચાલુ વર્ષે રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખવાનો નિર્ણય લીધો છે.
આપના રાજયસભાના સાંસદ અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંદિપ પાઠકે જણાવ્યું કે અમોએ રાજસ્થાન માટે ચૂંટણી તૈયારી શરૂ કરી છે અને રાજયમાં બદલાવની જરૂર છે. ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસ વારાફરતી પાંચ-પાંચ વર્ષ માટે ચૂંટણી જીતીને ફિકસીંગ કરે છે પરંતુ આમ આદમી પાર્ટી તેમાં હવે લોકોને ત્રીજો વિકલ્પ આપશે. ગુજરાત અંગે તેઓએ જણાવ્યું કે અમોએ ફકત છ માસમાં ગુજરાત ચૂંટણી માટે તૈયારી કરી અને તેમ છતાં પાંચ બેઠકો સાથે 16 ટકાથી વધુ વોટશેર મેળવ્યો છે તે જ મહત્વનું છે. રાજસ્થાનમાં વધુ તાકાતથી ઝંપલાવશું.
રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ટક્કર જોવા મળતી હોય છે પરંતુ આમ આદમી પાર્ટી પણ તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને મદાનમાં ઉતારશે તો ત્રિપાંખીયો જંગ જામવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.