યંગ ઈન્ડિયા (Yi) ચળવળઃ પાયાનાં સેવાકાર્યોથી લઈને નેતૃત્વ વિકાસ દ્વારા વિકસિત ભારતનો સંકલ્પ
[અલકેશ પટેલ] અમદાવાદ, 9 જાન્યુઆરી, 2026 – Young India (Yi) Movement: A vision for a developed India ભારતની જેન-ઝી (Gen-Z) પેઢી પાસે સકારાત્મકતાનાં અનેક કારણ છે. ભારતની જેન-ઝી પેઢી પાસે યોગ્ય નેતૃત્વ છે. ભારતની આ પેઢીને રાષ્ટ્રપ્રેમ અને ધાર્મિક મૂલ્યો તરફ વાળી શકે તેવા વિદ્વાનો સમયાંતરે દેશને મળતા રહ્યા છે. અને એ જ કારણ છે કે, ભારતના મોટાભાગના યુવાનોના હાથમાં વિસર્જનના નહીં પરંતુ સર્જનનાં સાધનો હોય છે. દેશના મોટાભાગના યુવાનો નકારાત્મક નહીં પરંતુ સકારાત્મક-સર્જનાત્મક વિચારો અને કામગીરીની દિશામાં ખેંચાય છે. આ માટે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની જેમ ઔદ્યોગિક સંસ્થાઓનું પણ મજબૂત પ્રદાન જોવા મળે છે.

આવી જ એક પહેલ છે યંગ ઈન્ડિયા (Yi)ની. કન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) દ્વારા શરૂ કરવામાં આવેલી આ પ્રવૃત્તિ ગુજરાતમાં પાંચ શહેરો સહિત સમગ્ર દેશમાં 50 જગ્યાએ ચાલી રહી છે. યંગ ઈન્ડિયાના અમદાવાદ ચૅપ્ટર હેઠળ ચાલતી વિવિધ પ્રવૃત્તિ પૈકી એક સ્પેશિયલ ઈન્ટરેસ્ટ ગ્રુપમાં તાજેતરમાં કો-ચેર તરીકે પસંદગી પામનાર દિવ્યેશભાઈ ડાભીએ વાયઆઈ વિશે રિવોઈ સાથે વિશેષ વાત કરી હતી.

દિવ્યેશભાઈએ રિવોઈને જણાવ્યું કે, સીઆઈઆઈની યુથ વિંગ – યંગ ઈન્ડિયા (વાયઆઈ) રાષ્ટ્ર નિર્માણના લક્ષ્ય સાથે વિવિધ કાર્યક્રમ ચલાવે છે જેના દ્વારા સમાજ ઘડતરનું પાયાનું કામ થાય છે. વાયઆઈ હેઠળ જરૂરિયાતમંદ લોકોની સેવાનાં કાર્યો થાય છે, એટલું જ નહીં પરંતુ પર્યાવરણની પણ ચિંતા કરવામાં આવે છે.
કયા કયા કાર્યક્રમ ચાલે છે Yi હેઠળ?
યંગ ઇન્ડિયન્સ (Yi) કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)નો ભાગ છે. તેના નેજા હેઠળ યુવા નેતૃત્વ, રાષ્ટ્ર નિર્માણ અને વૈચારિક નેતૃત્વ કેન્દ્રિત કાર્યક્રમો ચાલે છે. ખાસ કરીને ઉદ્યોગસાહસિકતા (જેમ કે YiFi), આબોહવા પરિવર્તન, શિક્ષણ (અક્ષરા), આરોગ્ય (અંગદાન) બાળ સુરક્ષા માટે (માસૂમ), ગ્રામીણ ભારતીયો સુધી પહોંચવા માટે રૂરલ ઈનિશિયેટિવ અને બિઝનેસ નેટવર્કિંગ, કૉલેજો માટે (યુવા) અને શાળાઓ માટે (થાલિર) જેવા કાર્યક્રમો દ્વારા યુવાનોનું રાષ્ટ્રલક્ષી ઘડતર કરવામાં આવે છે. વાયઆઈના અન્ય મહત્ત્વના કાર્યક્રમોમાં નવીનતા માટે સપોર્ટ (i3), યુવા સમિટ અને Yi એક્સેસિબિલિટી જેવા પ્રોજેક્ટ્સ દ્વારા સમાવેશકતાને પ્રોત્સાહન આપવામાં આવે છે.

આરોગ્ય અને પર્યાવરણ
આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રોના કાર્યક્રમો હેઠળ ખાસ કરીને સમયાંતરે આરોગ્ય સેમિનાર યોજીને જાગૃતિ ફેલાવવામાં આવે છે. જ્યારે અમે અમદાવાદમાં દર વર્ષે 10,000 વૃક્ષારોપણ કરીને ગ્લોબલ વોર્મિંગને નિયંત્રણમાં રાખવા બનતો પ્રયાસ કરીએ છીએ તેમ શ્રી ડાભીએ જણાવ્યું હતું. આ જ ક્રમમાં સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવે છે.
18થી 40ની વયજૂથના લોકો પોતપોતાની રસ-રુચિ મુજબ યંગ ઈન્ડિયાની વિવિધ પ્રવૃત્તિમાં જોડાતા હોય છે અને તેમની આવડત, કુશળતા અને એડપ્ટિબિલિટી અનુસાર નેતૃત્વની સીડી ચડતા હોય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં યંગ ઈન્ડિયા ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો પણ નિયમિત ચલાવે છે. જેના હેઠળ ટ્રાફિકના નિયમોનું પાલન, વાહન ચલાવતી વખતે સુરક્ષાના નિયમો, ઉત્તરાયણ પહેલાં દોરીથી બચવા સ્ટિયરિંગ ગાર્ડ લગાવવા જેવી પ્રવૃત્તિઓ પણ સીઆઈઆઈની આ યુવા પાંખ કરે છે.
ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન
Yiની ચાલુ વર્ષની અર્થાત 2026 માટેની થીમ એક ભારત-એક સ્પિરિટ (એક ભારત-એક આત્મા) છે. તે ઉપરાંત “વિકસિત ભારત યુવા નેતૃત્વ ડાયલોગ” પણ વિવિધ શહેરોમાં યોજાઈ રહ્યા છે. આ સંગઠનની એક મહત્ત્વની કામગીરી “ભારત ઉદ્યોગસાહસિકતા સપ્તાહ” (BEW) છે. પ્રતિવર્ષ એક અઠવાડિયા માટે આ કાર્યક્રમ થાય છે, જેનો હેતુ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો તથા એ દિશામાં આગળ વધવા માગતા બધા લોકો માટે વ્યવસ્થાને સુલભ બનાવવાનો છે. મુખ્યત્વે માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં આ પહેલ હેઠળ વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, ઉપરાંત વર્કશોપ અને નેટવર્કિંગનું આયોજન કરવામાં આવે છે, જેની થીમ ભારતના ઉદ્યોગસાહસિક ભવિષ્ય માટે તકો ખોલવા પર કેન્દ્રિત હોય છે.


