પશ્ચિમ બંગાળમાં 2021ની ચૂંટણી હિંસા મામલે કાર્યવાહી, 181 નવી FIR નોંધાઈ
કોલકાતા, 18 મે 2026: પશ્ચિમ બંગાળમાં વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણી પછી ફાટી નીકળેલી કથિત હિંસાના મામલાઓમાં તપાસ એજન્સીઓએ ફરી એકવાર સકંજો કસ્યો છે. રાજ્યમાં થયેલા સત્તા પરિવર્તન બાદ આ મામલે સપાટો બોલાવતા એજન્સીઓએ અત્યાર સુધીમાં 458 ની તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત 181 નવી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને ભૂતકાળમાં જે 59 કેસોમાં ફાઇનલ રિપોર્ટ સબમિટ કરીને બંધ કરી દેવાયા હતા, તે કેસોને પણ નવેસરથી ખોલીને પુનઃ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે હિંસાના આ તમામ કેસોમાં તપાસ પ્રક્રિયા અત્યારે ખૂબ જ ઝડપથી ચાલી રહી છે અને વિવિધ સ્તરે ડિજિટલ તેમજ પ્રત્યક્ષ પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે.
રાજ્ય પ્રશાસન તરફથી પોલીસ વિભાગને કડક સૂચના આપવામાં આવી છે કે હત્યા અને હુમલા સાથે જોડાયેલા તમામ પેન્ડિંગ કેસોમાં ‘ભારતીય ન્યાય સંહિતા’ (BNS) ની સંબંધિત કલમો હેઠળ તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવે. આ સાથે જ સરકારે હિંસાનો ભોગ બનેલા પરિવારોને આગળ આવવા અપીલ કરી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો ભોગ બનનાર પરિવાર પાસે અત્યારે કોઈ નક્કર પુરાવા ન હોય, તો પણ તેઓ નીડર થઈને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. સરકાર દરેક ફરિયાદની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવા માટે કટિબદ્ધ છે. આ આખીય તપાસ પ્રક્રિયાને લઈને પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા આક્ષેપ કર્યો છે કે, “ચૂંટણી દરમિયાન હિંસા રોકવામાં કેન્દ્રીય સુરક્ષા દળો સંપૂર્ણપણે નિષ્ક્રિય રહ્યા હતા.” તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઘણી જગ્યાએ ટીએમસીના ઉમેદવારો અને એજન્ટોને બળજબરીપૂર્વક મતગણતરી મથકોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.
હિંસા પ્રભાવિત લોકોને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવાની મમતા બેનર્જીની માંગણી
બીજી તરફ, પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ મામલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે હિંસા પ્રભાવિત લોકોને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં અનેક જગ્યાએ આગજની અને તોડફોડની ઘટનાઓ બની છે, જેમાં નિર્દોષ મહિલાઓ અને બાળકોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સંપન્ન થયેલી ૨૦૨૬ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મોટો સત્તા પલટો જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 207 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવીને રાજ્યમાં સરકાર બનાવી છે, જ્યારે સત્તા ગુમાવનાર તૃણમૂલ કોંગ્રેસ માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ છે. બંગાળમાં ભાજપના શાસનની શરૂઆત અને સત્તા પરિવર્તન બાદથી જ આ જૂની હિંસાના કેસોની તપાસ અને રાજકીય ખેંચતાણ સતત રાષ્ટ્રીય હેડલાઇન્સમાં બનેલી છે.


