1. Home
  2. ગુજરાતી
  3. કેરળમાં નવી રાજકીય ઇનિંગ: વીડી સતીશને લીધા મુખ્યમંત્રી પદના શપથ

કેરળમાં નવી રાજકીય ઇનિંગ: વીડી સતીશને લીધા મુખ્યમંત્રી પદના શપથ

0
Social Share

તિરુવનંતપુરમ, 18 મે 2026: કેરળના રાજકારણમાં આજે એક નવો અધ્યાય શરૂ થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીડી સતીશને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે વિધિવત રીતે શપથ ગ્રહણ કરી લીધા છે. તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે આયોજિત એક ભવ્ય અને ઐતિહાસિક સમારોહમાં તેમણે મલયાલમ ભાષામાં શપથ લીધા હતા. કેરળના રાજકીય ઇતિહાસમાં આશરે 60 વર્ષ (6 દાયકા) બાદ એવું બન્યું છે જ્યારે મુખ્યમંત્રીની સાથે આખી કેબિનેટે એક જ મંચ પર એકસાથે શપથ લીધા હોય.

વિધાનસભા ચૂંટણીમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ ગઠબંધનને મળેલી પ્રચંડ જીત બાદ રાજ્યમાં ડાબેરી પક્ષોના શાસનનો અંત આવ્યો છે. શપથ લીધા બાદ મુખ્યમંત્રી સતીશને મંચ પર હાજર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના રાષ્ટ્રીય નેતાઓનું અભિવાદન ઝીલ્યું હતું. વીડી સતીશનની સરકારની સાથે જ 20 સભ્યોના નવા મંત્રીમંડળની પણ રચના કરવામાં આવી છે. આ શપથ ગ્રહણ સમારોહમાં ગઠબંધનના વિવિધ પક્ષોના વરિષ્ઠ નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. મુખ્યમંત્રીની સાથે મંત્રીમંડળમાં સામેલ કેરળ કોંગ્રેસના નેતા મોન્સ જોસેફ, આરએસપીના નેતા શિબુ બેબી જોન, કેપીસીસીના પ્રમુખ સની જોસેફ, સિનિયર નેતા કે.મુરલીધરન, રમેશ ચેન્નીથલા અને એ.પી.અનિલકુમારે પણ શપથ લીધા હતા.

આ ઉપરાંત પી.સી. વિષ્ણુનાથ, રોજી એમ. જોન, ટી. સિદ્દીક, બિંદુ ક્રિષ્ના, એમ. લિજુ, ઓ.જે. જનીશ, કે.એ. થુલસી, પી.કે. બશીર, કે.એમ. શાજી, એન. શમસુદ્દીન, વી.ઈ. અબ્દુલ ગફૂર, સી.પી. જોન અને અનૂપ જેકબે પણ મંત્રી તરીકે હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા. નવી સરકારની રચનામાં સામાજિક અને પ્રાદેશિક સંતુલનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં બે મહિલાઓ અને અનુસૂચિત જાતિ સમુદાયના બે પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વીડી સતીશને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “કેરળની જનતાએ અમને બહુ મોટી જવાબદારી સોંપી છે. ચૂંટણી દરમિયાન જનતાને આપેલા તમામ વાયદાઓ અમે એક પછી એક પૂરા કરીશું અને રાજ્યના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જઈશું.” બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને સતીશનને કેરળના મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચોઃ સ્ટાલિનનો સનાતનમ્ વિરોધ: તમિલનાડુમાં કેમ નથી ભભૂકતો આક્રોશ?

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code