HomeDharma-ધર્મસ્ટાલિનનો સનાતનમ્ વિરોધ: તમિલનાડુમાં કેમ નથી ભભૂકતો આક્રોશ?

સ્ટાલિનનો સનાતનમ્ વિરોધ: તમિલનાડુમાં કેમ નથી ભભૂકતો આક્રોશ?

  • શ્રીધર વેમ્બુએ ખોલી DMK ની ચતુરાઈ અને મુર્ખામીની પોલ

હેમંત પરમાર દ્વારા

ઉદયનિધિ સ્ટાલિન અને તેમના સાથીદારો વારંવાર સનાતન ધર્મને નાબૂદ કરવાની બૂમરાણ મચાવે છે, ત્યારે દેશભરમાં સવાલો ઉઠે છે કે અત્યંત ધાર્મિક એવો તમિલ હિંદુ સમાજ આટલો શાંત કેમ છે? રસ્તા પર આક્રોશ કેમ નથી દેખાતો? શું તમિલનાડુના હિંદુઓને પોતાના ધર્મની પડી નથી?

આ સવાલોનો જવાબ અરાટ્ટાઈ (Arattai) અને ઝોહો (Zoho) ના સ્થાપક શ્રીધર વેમ્બુએ આપ્યો છે. તેમણે DMK ની આ પાખંડી રમત પરથી પડદો ઉઠાવ્યો છે અને જણાવ્યું છે કે આ બધો ખેલ રાજકારણ અને ભાષાની ચાલાકીનો છે.

શ્રીધર વેમ્બુ, ઝોહોના સ્થાપક અને સનાતન-હિન્દુત્વના પ્રખર સમર્થક
શ્રીધર વેમ્બુ, ઝોહોના સ્થાપક અને સનાતન-હિન્દુત્વના પ્રખર સમર્થક

ભાષાની માયાજાળ: ધર્મમ્-થી ડર્યા, એટલે સનાતનમ્ પર વાર કર્યો?

શ્રીધર વેમ્બુના મતે, આ આખીય ગેરસમજનું મૂળ ભાષામાં છુપાયેલું છે. ઉદયનિધિ પોતાના ભાષણોમાં જે સનાતનમ્ શબ્દનો ઉપયોગ કરે છે, તે તમિલ ભાષાનો સામાન્ય બોલચાલનો શબ્દ છે જ નહીં. મોટાભાગના તમિલ લોકો આ શબ્દનો અર્થ જ જાણતા નથી. સ્વયં શ્રીધર વેમ્બુ કબૂલે છે કે બાળપણમાં તેઓ પણ આ શબ્દથી અજાણ હતા.

આ પણ વાંચોઃ કલ્પસર પ્રોજેક્ટને નેધરલેન્ડ્સની ટેક્નોલૉજીની નવી પાંખો મળી

બીજી તરફ, તમિલમાં ધર્મ (ધર્મમ્ કે ધરૂમમ્) શબ્દ રગેરગમાં વ્યાપેલો છે. તમિલનાડુમાં તો ધર્મપુરી નામનો આખો જિલ્લો છે. હિન્દીમાં ધર્મ એટલે કોઈ પણ ધર્મ, પણ તમિલમાં ધર્મમ્ નો સીધો અર્થ હિંદુ ધર્મ અથવા પુણ્ય કે સત્યકામ જ થાય છે.

હવે સવાલ એ થાય કે જો ઉદયનિધિમાં ખરેખર હિંમત હોત અને તેમણે સનાતનમ્ ની જગ્યાએ તમિલમાં સીધો ધર્મમ્ પર હુમલો કર્યો હોત તો શું થાત? તો રાતોરાત તમિલનાડુની સડકો પર આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હોત. કારણ કે તમિલ જનતા તેને સીધું અધર્મનું સમર્થન માની લેત. જનતાના રોષથી બચવા જ આ નેતાઓ એક એવો શબ્દ પકડી લાવ્યા છે, જેનો અર્થ સામાન્ય જનતાને ખબર જ નથી. કેવી અદભુત કાયરતા, ખરું ને?

DMK ની રાજકીય આત્મહત્યા: વિરોધ કરવા જતાં સનાતનમ્ નો જ પ્રચાર કરી બેઠા.

કહેવાય છે ને કે ખાડો ખોદે તે પડે. શ્રીધર વેમ્બુ કટાક્ષ કરતા કહે છે કે ઉદયનિધિના આ ઈમાનદાર પ્રયાસોએ તમિલનાડુમાં અજાણ્યા એવા સનાતનમ્ શબ્દને ઘરે-ઘરે લોકપ્રિય બનાવી દીધો છે. તમિલનાડુમાં હંમેશાથી એક DMK વિરોધી વોટબેંક રહી છે, જેનું મુખ્ય કારણ આ નેતાઓ દ્વારા હિંદુ દેવી-દેવતાઓ પર થતી સતત અપમાનજનક ટિપ્પણીઓ છે.

ટીવીકે જેવી પાર્ટીઓએ આવી ભૂલો ન કરી, અને DMK વિરોધી ભાવનાનો ફાયદો ઉઠાવ્યો.

શું સનાતન ધર્મ DMK ની અંતિમ ઈચ્છા પૂરી કરશે?

આ બધા સમીકરણો જોતા એવું લાગે છે કે જાણે ઉદયનિધિ અને DMK એ નક્કી જ કરી લીધું છે કે તેઓ હવે ક્યારેય સત્તામાં પાછા ફરવા માંગતા નથી. શ્રીધર વેમ્બુ પોતાના નિવેદનના અંતમાં એક માર્મિક અને ધારદાર કટાક્ષ કરતા કહે છે કે “ઈશ્વર કરે શાશ્વત સનાતન ધર્મ તેમની આ એટલે કે સત્તામાંથી બહાર ફેંકાઈ જવાની ઈચ્છા પૂર્ણ કરે.”

તો હવે સવાલ એ છે કે, શું અજ્ઞાનતાના નામે રમાતી આ રાજકીય રમત તમિલનાડુની જનતા કાયમ સહન કરશે? શું ફક્ત શબ્દોની માયાજાળ રચીને હિંદુ ધર્મ પર પ્રહાર કરવાનું આ ષડયંત્ર DMK ને કાયમ માટે ઇતિહાસના પાનાઓમાં દફનાવી દેશે? જવાબ આવનારો સમય જ આપશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular