વોશિંગ્ટન, 19 જુલાઈ 2026: પશ્ચિમ એશિયામાં ચાર મહિનાથી વધુ સમયથી ચાલી રહેલો ભીષણ સંઘર્ષ દિવસે-દિવસે વધુ ગંભીર બની રહ્યો છે. આ દરમિયાન, અમેરિકી સેનાએ શનિવારે જાહેરાત કરી હતી કે જોર્ડનમાં ઈરાની બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન હુમલાનો સામનો કરતી વખતે તેના વધુ બે સૈનિકો માર્યા ગયા છે.
આ સાથે, આ સંઘર્ષમાં જીવ ગુમાવનારા અમેરિકી સૈનિકોની કુલ સંખ્યા ૧૬ પર પહોંચી ગઈ છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આ તાજેતરના હુમલા બાદ એક અમેરિકી સૈનિક ગુમ છે.
ભૂમિ-યુદ્ધ વિના પણ ભારે જાનહાનિ
રસપ્રદ અને ચિંતાજનક બાબત એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે મોટા પાયે કોઈ સીધો જમીની સંઘર્ષ થઈ રહ્યો નથી. આ સમગ્ર સંઘર્ષ મુખ્યત્વે ડ્રોન, મિસાઈલ અને હવાઈ હુમલાઓ દ્વારા લડવામાં આવી રહ્યો છે.
શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા ત્યારથી, પશ્ચિમ એશિયાના વિવિધ દેશોમાં તૈનાત અમેરિકી સૈનિકોને ઈરાન અને તેના સહયોગી જૂથો દ્વારા સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
આ સંઘર્ષ દરમિયાન વિવિધ ઘટનાઓ અને હુમલાઓમાં અમેરિકન સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. યુદ્ધની શરૂઆતમાં, 28 ફેબ્રુઆરીના રોજ, કુવૈતના એક નાગરિક બંદર પર થયેલા ઈરાની ડ્રોન હુમલામાં છ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા; આ સૈનિકો કન્ટેનર જેવા એક અસુરક્ષિત માળખામાં કામ કરી રહ્યા હતા.
સાઉદી અરેબિયામાં આવેલા પ્રિન્સ સુલ્તાન એર બેઝ પર ઈરાની હુમલામાં ઘાયલ થયેલા અન્ય એક સૈનિકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. માર્ચના અંત ભાગમાં, ઈરાકમાં લશ્કરી કામગીરીમાં સહાય કરી રહેલું અમેરિકી વિમાન (KC-135) દુર્ઘટનાગ્રસ્ત થતાં છ અમેરિકી સૈનિકોનાં મોત થયાં હતાં.
અલગથી, 1લી જુલાઈએ અરબી સમુદ્રમાં યુએસ નેવીનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં એક પાઇલટનું મૃત્યુ થયું હતું; જોકે, સેનાએ તેને ‘ઇમરજન્સી લેન્ડિંગ’ ગણાવ્યું હતું અને સ્પષ્ટ કર્યું હતું કે આ દુર્ઘટના દુશ્મનના હુમલાને કારણે થઈ ન હતી. દરમિયાન, જોર્ડનમાં મિસાઇલ અને ડ્રોન હુમલામાં વધુ બે સૈનિકોએ જીવ ગુમાવ્યા છે.


