અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની વિદાયની સાથે ધીમે-ધીમે ઉનાળના આગમનને પગલે દિવસે ગરમી અને રાતના ઠંડી એમ બેવડી ઋતુને પગલે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેથી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી છે. શહેરના છેવાડે આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં પણ સામાન્ય દિવસોની સરકામણીએ ઓપીડી દર્દીઓની સંખ્યામાં 50 ટકા જેટલો વધારો થયો છે, જેના પગલે હોસ્પિટલ સત્તાવાળાઓએ ઓપીડીના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ઓપીડીમાં એક કલાકનો વધારો કરાયો છે.
અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ઠંડીની વિદાય અને ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તેના કારણે ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે તેથી બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શન કેસમાં વધારો નોંધાયો છે અને અસારવા તેમજ સોલા સિવિલમાં દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં જ્યાં થોડા દિવસો પહેલા 500 થી 800 જેટલી ઓપીડી રહેતી હતી. જે ઓપીડી હોસ્પિટલ માટે સામાન્ય હતી. પંરતુ બેવડી ઋતુ શરૂ થતા દર્દીઓની ભીડમાં અને સંખ્યામાં વધારો થયો.
અમદાવાદ શહેરમાં વાયરલ ઇન્ફેક્શનમાં દર્દીઓને ખાંસી, શરદી, ઉધરસ અને તાવ જેવા ઇન્ફેક્શન થવા તેમજ રેસીપીરેટરીની (શ્વસનને લગતી સમસ્યા) સમસ્યાથી પીડિતા દર્દીઓની હોસ્પિટલોમાં લાઈનો લાગી છે. સોલા સિવિલમાં સામાન્ય દિવસોમાં 800 જેટલા ઓપીડીના કેસ આવે છે, પરંતુ વાયરલ ઈન્ફેક્શનના કેસ વધતા ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યામાં વધીને 1200થી 1500 સુધી પહોંચી છે. જેથી સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસ બારીનો સમય એક કલાકનો વધારીને સવારે 9ને બદલે 8 વાગ્યાનો કરવામાં આવ્યો છે. જેથી દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે.
દરમિયાન અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ બમણા કેસ નોંધાયા હતા. અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે 33,000 કેસ માંથી વાયરલ ઇન્ફેક્શનના 5500 ઉપરાંત કેસ નોંધાયા. એટલે કે ડબલ સીઝન થી દસ દિવસમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં 30 ટકા ઉપરાંત વધારો નોંધાયો છે. બેવડી ઋતુને પગલે વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. હાલ સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.