નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના શિખર સંમેલનમાં પૂર્ણ સત્રને સંબોધિત કર્યું. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે ભારતે SCO ના એક સક્રિય સભ્ય તરીકે હંમેશા રચનાત્મક અને સકારાત્મક ભૂમિકા ભજવી છે.
પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદને માનવતા માટે એક મોટો પડકાર ગણાવ્યો. તેમણે જણાવ્યું કે, આતંકવાદ સામે SCO દેશોએ સાથે મળીને મજબૂત રીતે લડવાની જરૂર છે. આ સંદર્ભમાં તેમણે તાજેતરમાં પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને દુઃખની આ ઘડીમાં ભારતની સાથે ઊભા રહેવા બદલ તમામ સભ્ય દેશોનો આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીના આ સંબોધને આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદ સામે ભારતની મક્કમ નીતિનો પુનરોચ્ચાર કર્યો.

