નવી દિલ્હી: ગૂગલ પ્લેટફોર્મના વપરાશ દરમિયાન યૂઝર્સનો તમામ અથવા મોટા ભાગનો ડેટા ગૂગલ સેવ રાખતું હોય છે. જો કે તમારા મોત બાદ તમારા આ સેવ્ડ ડેટાનું શું થાય છે તેની તમને ખબર છે? ગૂગલ એવુ ફીચર આપે છે કે તેનાથી તમારા નિધન બાદ તમારા ડેટાનું શું થશે તે નક્કી કરવાની છૂટ મળે છે. તમારા મોતના કિસ્સામાં આ તમામ માહિતી કોઇ ત્રીજી વ્યક્તિને કેવી રીતે શેર કરવી તે નક્કી હોવું અનિવાર્ય છે.
ગૂગલની સિસ્ટમ એ પ્રકારની છે કે જો કોઇ યૂઝર્સ પોતાના ગૂગલ એકાઉન્ટનો વપરાશ કેટલાક સમય માટે બંધ કરી દે છે તો અમુક મહિનાઓ બાદ તેનું ગૂગલ એકાઉન્ટ નિષ્ક્રિય થઇ જાય છે. જ્યારે ગૂગલને એવું માલુમ પડે છે કે આ એકાઉન્ટ લાંબા સમયથી વપરાશમાં નથી ત્યારે ગૂગલ તેને નિષ્ક્રિય કરે છે. જો કે હવે ગૂગલ તમારા એકાઉન્ટને ક્યારે નિષ્ક્રિય કરવું અને તમારા ડેટાનું શું કરવું તેનો વિકલ્પ પૂરો પાડે છે.
ગૂગલની સેવા અનુસાર તે બીજા એકાઉન્ટ સાથે ડેટાને શેર કરવાનો વિકલ્પ આપે છે. એટલું જ નહીં, જે તે વ્યક્તિ ગૂગલને ડેટાને ડિલિટ કરવાનો પણ આદેશ કરી શકે છે. એક ફીચર અનુસાર તમારા એકાઉન્ટને નિષ્ક્રિય ગણવા માટે કેટલો વધારાનો સમય ધ્યાનમાં રાખવો તેની સુવિધા મળે છે. આ માટે યૂઝર્સ વધુમાં વધુ 18 મહિનાનો સમય પસંદ કરી શકે છે.
આ માટે તમે myaccount.google.com/inactive પર જઈને વિગતો જાણી શકો છો. આ લીંકમાં ક્લિક કર્યાં બાદ તમારે સૌપ્રથમ તમારું ખાતું નિષ્ક્રિય થાય તે માટે વેઇટિંગ ટાઇમ સેટ કરવાનો રહેશે. જેમાં તમારે ઇમેઇલ આઈડી, ફોન નંબર સહિતની વિગતો દાખલ કરવી પડશે.
ત્યારબાદ પ્રોસેસ અનુસાર ગૂગલ તમને 10 એવા નામ પસંદ કરવાની છૂટ આપશે, જેમને તમારું એકાઉન્ટ નિષ્ક્રિય થયા બાદ નોટિફિકેશન પ્રાપ્ત થશે. યૂઝર્સ કોઇ ત્રીજી પાર્ટીને પોતાનો ડેટા એક્સેસ કરવા કે ડાઉનલોડ કરવાની પણ મંજૂરી આપી શકે છે. તે માટે અધિકૃત આઇડી આવશ્યક છે.
જો તમે કોઈને પણ તમારો ગૂગલ ડેટા નથી આપવા માંગતા તો તમારે કોઈ જ ઇમેઇલ આઈડી દાખલ કરવાનું રહેશે નહીં. જેનો મતલબ એવા થાય કે તમારું ખાતું નિષ્ક્રિય થયા બાદ ગૂગલ તમારો ડેટા ડિલિટ કરી નાખશે, તેમજ તેને ફરીથી રિસ્ટોર પણ નહીં કરી શકાય.
જ્યારે તમે કોઈ વિશ્વાસપાત્ર ઇમેઇલ દાખલ કરશો ત્યારે ગૂગલ તમને એક યાદી બતાવશે, જેમાં તમે પસંદ કરી શકો છો કે તમે આ ઈમેઇલ આઈડી ધરાવતા વ્યક્તિ સાથે કયો કયો ડેટા શેર કરવા માંગો છો. આ લિસ્ટમાં ગૂગલ પે, ગૂગલ ફોટો, ગૂગલ ચેટ, લોકેશન હિસ્ટ્રી તેમજ ગૂગલ એકાઉન્ટમાં ઉપલબ્ધ તમામ સેવા હોય છે.
તમે જેના પર ભરોશો મૂક્યો હોય તે વ્યક્તિ તમારું એકાઉન્ટ નિષ્ક્રિય થયાના ત્રણ મહિના બાદ જ તમારા ડેટાને મેળવી શકશે. ગૂગલ એ વ્યક્તિને આ અંગે ઇમેઇલ કરીને જાણકારી આપશે.