
ભારતમાં 2025 સુધીમાં તમામ ટ્રકોની કેબિનમાં AC ની સુવિધા શરૂ થશે
નવી દિલ્હીઃ 2025 સુધીમાં તમામ ટ્રકોના કેબિનમાં AC ની સુવિધા શરૂ થઈ જશે. તેવી જાહેરાત કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કરી હતી. 11-12 કલાક સુધી પરસેવો પાડનારા ટ્રક ચાલકોને સરકારની જાહેરાતથી ઘણી રાહત મળશે. કેટલાક વૈશ્વિક ટ્રક ઉત્પાદકો પહેલેથી જ એસી કેબિન બનાવી રહી છે. ભારતમાં આ અંગે ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે અને હવે ભારતીય કંપનીઓ માટે 2025થી એસી કેબિન બનાવવી ફરજિયાત કરવામાં આવી છે. મોદી સરકારના આ નિર્ણયથી આગામી દિવસોમાં ટ્રક ચાલકોને રાહત મળશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે, તેમણે ટ્રક ડ્રાઈવરો માટે એસી કેબિન માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અધિકારીઓનું કહેવું છે કે, ઉદ્યોગને અપગ્રેડ કરવા માટે 18 મહિનાનો સમય જરૂરી છે. આ પ્રસ્તાવ સૌપ્રથમ 2016માં રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે મુક્યો હતો. એક કાર્યક્રમમાં બોલતા ગડકરીએ કહ્યું, “આપણા દેશમાં, કેટલાક ડ્રાઇવરો 12 કે 14 કલાક ડ્રાઇવ કરે છે, જ્યારે અન્ય દેશોમાં, બસ અને ટ્રક ડ્રાઇવરોએ ફરજના કલાકો નક્કી કર્યા છે. અમારા ડ્રાઇવરો 43 થી 47 ડિગ્રી તાપમાનમાં વાહન ચલાવે છે, જેથી અમને ડ્રાઇવરોની સ્થિતિનો ખ્યાલ આવી શકે. હું જ્યારે મંત્રી બન્યો ત્યારે એસી કેબિન લાવવા માંગતો હતો, પરંતુ કેટલાક લોકોએ એમ કહીને વિરોધ કર્યો કે તેનાથી ખર્ચ વધી જશે. આજે (19 જૂન 2023) મેં ફાઇલ પર સહી કરી છે.