Site icon Revoi.in

ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલની બેઠક યોજાઈ

Social Share

અમદાવાદઃ સહકારી માળખાને વધુ સુદ્રઢ અને પારદર્શી બનાવવાની દિશામાં સહકાર વિભાગ કાર્યરત છે ત્યારે, ગાંધીનગર ખાતે સહકાર મંત્રી  જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સહકારી મંડળીઓના એજન્ડા તથા નવી બાબતોને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત આગામી સમયમાં મંડળીના અને મંડળીના સભાસદોના હિતમાં કેવા પ્રકારના બદલાવો લાવી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. 

સહકારી મંડળીઓમાં કર્મચારીઓની ભરતી બાબતે નિયમો બનાવવાની વાતને કાઉન્સિલના સભ્યોએ સમર્થન આપ્યું હતું. જે બાબતે મંત્રીએ જણાવ્યુ હતું  કે, આગામી સમયમાં મંડળીઓની ભરતીને લઈને નિયમો બનાવી તેની અમલવારી કરવામાં આવશે. આ બેઠકમાં સહકારી મંડળીઓના સભાસદોને આપવામાં આવતી ભેટની રકમ મર્યાદા વધારવા બાબતે તથા સહકારી સંસ્થાઓમાં વાહન ખરીદી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. આ ઉપરાંત સરકારશ્રીના જાહેરનામા અનુસાર રૂ. ૦૫ લાખ કે તેથી વધુ રકમની ખરીદી માટે ફરજિયાત ઈ-ટેન્ડર પ્રક્રિયા અનુસરવા જણાવવામાં આવ્યું હતું. 

વર્ષ 2025ને ‘આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ’ તરીકે ઉજવવામાં આવી  રહ્યું છે ત્યારે, વર્ષ દરમિયાન સહકારી મંડળીઓએ સહકાર વિષયને કેન્દ્ર સ્થાને રાખી તેમના વિસ્તારમાં પોસ્ટકાર્ડ લેખન દ્વારા જાગૃતિ, ધાર્મિક સ્થળોની સાફ સફાઈ, એક પેડ મા કે નામ થીમ અનુસાર વૃક્ષારોપણ, ટીફીન બેઠક, સામૂહિક ભોજન, શાળાઓમાં કીટ વિતરણ, સગર્ભા માતાઓને પોષણ કીટ વિતરણ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. 

વધુમાં સહકાર મંત્રીશ્રી દ્વારા દૂધ સંઘ, ક્રેડિટ સોસાયટીઓ, હાઉસિંગ સોસાયટીઓ વગેરે જેવી કાર્યરત મંડળીઓ માટે મોડેલ ઉપનિયમો બનાવીને અમલમાં મૂકવાની વાત આજની બેઠકમાં કરેલ હતી. ઉપરાંત મંડળીઓમાં સતત ઓડિટ થાય તેમજ મહીલાઓ અને યુવાનોને સાંકળીને ઈનોવેટીવ પ્રકારની સહકારી મંડળીઓની રચના થાય તેવી દિશામાં કામગીરી કરવા ઉપરાંત સહકારી કાયદામાં સુધારા બાબતે કોઈ સૂચન હોય તો તે મોકલી આપવા સર્વે કાઉન્સિલના સભ્યશ્રીઓને આગ્રહ કર્યો હતો.