Site icon Revoi.in

ગુજરાતમાં 1.20 લાખ હેક્‍ટર વિસ્‍તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો

Social Share

ગાંધીનગરઃ  આજના કૃષિ વૈશ્વિકરણ અને વૈવિધ્યતાના સમયમાં કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સિંચાઈમાં પાણીનો અસરકારક ઉપયોગ અને વ્યવસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ, વર્ષ 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની (GGRC)ના માધ્યમથી “સૂક્ષ્મ સિંચાઈ યોજના” અમલમાં મૂકી હતી. ખેડૂતો પાણીના માર્યાદિત ઉપયોગથી વધુમાં વધુ ખેત ઉત્પાદન મેળવી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ શ્રેષ્ઠ વિકલ્પ છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ટપક, ફૂવારા, રેનગન અને પોરસ પાઈપ જેવી અદ્યતન સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે.

પાણીના ઓછા સ્ત્રોત વચ્ચે સૂક્ષ્મ સિંચાઈથી આશરે ત્રણ ગણો પિયત વિસ્તાર વધારી શકાય છે. એટલે જ, છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ અને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો સતત વધી રહ્યો છે. વર્ષ મે-2005થી માર્ચ-2025 સુધીમાં ગુજરાતના 15.76 લાખથી વધુ ખેડૂતોએ આશરે 24.34 લાખ હેક્‍ટર વિસ્‍તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. આ 15.76 લાખ જેટલા ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. 8,864.25 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. જેમાં ગુજરાત સરકારનો ફાળો રૂ. 5538.78 કરોડ અને ભારત સરકારનો ફાળો રૂ. 3325.47 કરોડ છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ખેતીમાં સૂક્ષ્મ સિંચાઈ જેવી અદ્યતન પદ્ધતિ અપનાવવાની દિશામાં ગુજરાતે હરણફાળ ભરી છે. વર્ષ 2023-24માં આશરે 1.30 લાખ હેક્‍ટર વાવેતર વિસ્‍તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવામાં આવ્યો હતો. જ્યારે, ગત વર્ષ 2024-25માં પણ આશરે 1.20  લાખ હેક્‍ટર વિસ્‍તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો હતો. આ માટે ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ કુલ રૂ. 605.42 કરોડની સહાય આપવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારનો ફાળો રૂ. 329.42 કરોડ અને ભારત સરકારનો ફાળો રૂ. 276 કરોડનો છે. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરેલ વિસ્‍તારની દૃષ્‍ટિએ 4.77 લાખ હેક્‍ટર વિસ્તાર સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્‍થાને, 1.81  લાખ હેક્‍ટર વિસ્તાર સાથે જૂનાગઢ જિલ્લો દ્વિતીય સ્‍થાને તેમજ 1.32 લાખ હેક્‍ટર વિસ્તાર સાથે રાજકોટ જિલ્લો ત્રીજા સ્‍થાને છે.

Exit mobile version