Site icon Revoi.in

ગોંડલ યાર્ડમાં 1.25 કટ્ટા ડુંગળીની આવકથી યાર્ડ ઊભરાયું

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા એક સપ્તાહથી ડુંગળીની બમ્પર આવક થઈ રહી છે. જેમાં શુક્રવારે લાલ ડુંગળીની 1.25 લાખ કટ્ટાની આવક થતાં યાર્ડ ડુંગળીથી ઊભરાઈ ગયું હતું. અને હરાજી બંધ કરાવાની ફરજ પડી હતી. દરમિયાન યાર્ડના સત્તાવાર સૂત્રોએ ખેડુતોને બીજા જાહેરાત ન થાય ત્યાં સુધી ડુંગળી ન લાવવાની અપીલ કરી છે.

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખાસ કરીને લાલપત્તી ડુંગળીનો વિપુલ જથ્થો ગોંડલ યાર્ડમા ઠલવાતાં આવક બંધ કરવી પડી છે. જો કે આ સિઝનમાં આવું બીજી કે ત્રીજી વાર બન્યું છે કે ખેડૂતોને જ્યાં સુધી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ડુંગળી લઇને આવવા પર મનાઇ કરવી પડી હોય. મોટાભાગના ખેડૂતો ગોંડલ યાર્ડની પસંદગી પોતાની જણસી વેચવા માટે પસંદગી કરતા હોય છે અને અલગ અલગ રાજ્યના વેપારીઓ આવી પહોંચે છે.

ગોંડલ યાર્ડમાં શુક્રવારે ફરી 1.25 લાખ કટ્ટા ડુંગળીની આવક નોંધાઇ હતી અને જેના પગલે યાર્ડનું આખું પરિસર પણ ટૂંકુ પડવા લાગ્યું હતું. યાર્ડની બહાર બન્ને બાજુ 1500થી વધુ વાહનોની 4 થી 5 કિ.મી. લાંબી લાઈનો લાગી જવા પામી હતી અને જેમ જેમ માલની ઉતરાઇ થાય તેમ તેમ વાહનોને અંદર પ્રવેશવા દેવામાં આવ્યા હતા. જો કે ડુંગળીની આટલી જંગી જથ્થામાં આવક થઇ હોવા છતાં ભાવમાં હજુ ધીમો જ ઘટાડો થયો હોવાથી ગૃહિણીઓમાં દેકારો યથાવત રહ્યો છે. શુક્રવારે યાર્ડ ખાતે કરવામાં આવેલી હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂ.200 થી રૂ.950 સુધીના બોલાયા હતા. જો કે આ જ ડુંગળી હોલસેલ અને રીટેલ માર્કેટમાં પહોંચતા સુધી તેનો ભાવ કિલોએ 50 આસપાસ પહોંચી જાય છે તે પણ હકિકત છે. બીજી તરફ આખું પરિસર ડુંગળીથી ભરાઇ જતાં યાર્ડના સત્તાધિશો દ્વારા ડુંગળીની આવકને લઈને જ્યાં સુધી અન્ય કોઈ જાહેરાત ન કરાય ત્યાં સુધી આવક સંદતર બંધ કરી છે.