Site icon Revoi.in

ગુજકેટ 23મી માર્ચે લેવાશે, 1.29 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર સહિત વિવિધ વિદ્યાશાખાઓની કૂલ 1,39,283 બેઠકો પર પ્રવેશ માટે આગામી તા. 23મી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા લેવાશે, આ પરીક્ષા માટે રાજ્યભરમાંથી કૂલ 1,29,706 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઈજનેરી, ફાર્મસી સહિત વિદ્યાશાખામાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા 13મી માર્ચના રોજ લેવાશે. રાજ્યમાં એન્જિનિયરિંગની 1,27,538 જેટલી બેઠકો ઉપરાંત ફાર્મસીની 10,752, એગ્રીકલ્ચરની 678 અને વેટરનરીની 315 બેઠકો છે. કૂલ 1,39,283 બેઠકો પર મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે, ગુજકેટની પરીક્ષા માટે 1,29,706 વિદ્યાર્થીઓ નોંધાયા છે. અમદાવાદ સહિત 34 શહેર-જિલ્લામાં ગુજકેટની પરીક્ષા લેવાશે. જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ધોરણ 12 સાયન્સના A ગ્રુપના વિદ્યાર્થીઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ તો B ગ્રુપના વિદ્યાર્થીઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયની પરીક્ષા આપશે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર પ્રથમ સેશનમાં 2 કલાકનું હશે. જેના 80 માર્ક તો બાયોલોજી અને મેથ્સનું પેપર 40-40 માર્કનું હશે. જેમાં કુલ 120 માર્કના પેપરમાં 120 MCQ હશે. દરેક MCQનો 1 માર્ક હશે પરંતુ કોઈ MCQ ખોટો લખાઈ ગયો તો .25 કપાશે. એટલે કે 4 MCQ ખોટા પડશે તો 1 માર્ક કપાશે. બોર્ડની પરીક્ષાના સાયન્સ પર્સન્ટાઇલના 50 ટકા ગુણ મેરીટ માટે ગણવામાં આવશે. એટલે કે A ગ્રુપના વિદ્યાર્થીઓના ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના કુલ પર્સન્ટાઇલના 50 ટકા તો B ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના કુલ પર્સન્ટાઇલના 50 ટકા ગુણ ગણતરીમાં લેવામાં આવશે અને બાકીના ગુજકેટમાં આવેલા કુલ ગુણના 50 ટકા ગણતરીમાં લેવામાં આવશે અને તેના આધારે મેરિટ બનશે. જોકે આ વખતે પણ એન્જિનિયરિંગમાં 50 % જેટલી સીટ ખાલી રહે તેવી શક્યતા છે.

રાજ્યમાં સુરતમાં સૌથી વધુ 19,067 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદ શહેરમાં 11,657 અને રૂરલમાં 5,640, રાજકોટમાં 9,439, વડોદરામાં 8,351 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.