Site icon Revoi.in

સુરતમાં નવા બનેલા રોડ તૂટી જતાં 10 કોન્ટ્રાકટરોને 50 લાખનો દંડ ફટકારાયો

Social Share

સુરતઃ શહેરમાં પ્રથમ વરસાદમાં કરોડોના ખર્તે બનેલી રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જેમાં ગેરન્ટી પિરિયડવાળા 20 મુખ્ય રસ્તા તૂટી ગયા હતા. ત્યારે મુખ્યમંત્રીની સુચના બાદ મ્યુનિ. કમિશનરે 10 કોન્ટ્રાક્ટરોને 50.42 લાખની પેનલ્ટી ફટકારી છે.  મ્યુનિ. કમિશનરે સ્પષ્ટ કહી દીધું હતું કે, ‘કોન્ટ્રાકટરોએ હવે સ્વખર્ચે રોડ ફરી રિપેર કરી આપવો પડશે. જો ખરાબ રોડને કારણે કોઈ અકસ્માત થશે કોન્ટ્રાકટરો સામે પોલીસ ફરિયાદ કરાશે. શહેરમાં ગેરન્ટીવાળા 20 રોડ સિઝનનો પહેલો વરસાદ પણ સહન ન કરી શક્યા જેથી કામગીરીમાં ભારોભાર બેદરકારી આચરાઇ હતી. જો કે, હજુ સુધી કોઈ એજન્સી સામે બ્લેક લિસ્ટની કાર્યવાહી કેમ નથી થઈ તેની સામે સવાલો ઊઠ્યા છે.

સુરત શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડ પ્રથમ વરસાદમાં તૂટી ગયા હતા. રોડ વિભાગની નબળી કામગીરી સામે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે ભારે પસ્તાળ પાડી હતી. ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ (DLP) હેઠળના 20 રોડ તૂટી જવા બાબતે તેમણે વ્યંગ કરી નવા રોડ કેવી રીતે તૂટી જાય? તે મુદ્દે સ્પષ્ટતા આપો નહીં તો નોટિસ માટે તૈયાર રહેવા અધિકારીઓને ચીમકી આપી હતી, જેને પગલે મોડે-મોડે 10 રોડ કોન્ટ્રાક્ટરોને 50.42 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે. ગૌરવપથ રોડ પર યુટિલિટી લાઇનોનાં પૂરાણમાં વેઠ ઉતારાતાં પેચવર્ક ઉબડ-ખાબડ હોવાથી રોંગસાઇડ વાહન ચલાવવા પડે છે. મ્યુનિ. કમિશનરના કડક પગલાંથી કોન્ટ્રાકટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં જે રોડ ધોવાયા હતા જેમાં પોલારિસ મોલ વરાછા રોડ, આશિષ હોટલથી સચિન-મગદલ્લા, પાંડેસરા GIDCથી પ્રિયંકા સોસાયટી, મીડલ રિંગરોડથી ડિંડોલી STP, મધુરમ સર્કલથી ભૂસાવલ રેલવે લાઇન, અઠવા ઝોનના 24 મીટરના રોડ, એલપી સવાણીથી ગૌરવપથ, ભેસ્તાન આવાસ રોડ વગેરેનો સમાવેશ થાય છે.