ગાંધીનગરઃ દેશમાં કોરોના વેક્સિનેશન લેનારાની સંખ્યા 100 કરોડને પાર થઈ ગઈ છે. ગુજરાતમાં તમામ જૂથોના 4 કરોડ 41 લાખ 65 હજાર 347 લાભાર્થીઓને પ્રથમ તથા 2 કરોડ 35 લાખ 6 હજાર 129 લાભાર્થીઓને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. એટલે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 6.76 કરોડથી વઘુ રસીના ડોઝ આપી દેવાયા છે. સમગ્ર દેશમાં રસીકરણમાં ગુજરાતનો ફાળો 6.7 ટકાથી વધારે છે.ગુજરાતમાં ત્રણ કોર્પોરેશન અને ચાર જિલ્લાઓમાં 100 ટકા રસીકરણ થયું છે. તે ઉપરાંત સુરત, જૂનાગઢ, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર અને તાપી જિલ્લામાં 100 ટકા વેક્સિનેશન થયું
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પ્રતિ 10 લાખ બે ડોઝના લાભાર્થીએ 6 લાખ 86 હજાર 191 રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. રાજ્યમાં કુલ 15 હજાર 436 ગામડાઓ, 491 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 30 શહેરી આરોગ્ય કેન્દ્ર તથા 53 તાલુકાઓમાં 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી 100 ટકા કવરેજ આપવામાં આવ્યું છે. કોવિડ 19 રસીકરણ માટે હાલમાં ભારત સરકાર દ્વારા કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક 3 રસીને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કોવિશિલ્ડ વેક્સિનના કુલ 26 લાખ 25 હજાર 270 ડોઝ અને કોવેક્સિનના કુલ 2 લાખ 49 હજાર 240 ડોઝની ખરીદી કરવામાં આવી છે.
ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ વિભાગ દ્વારા કોવિશિલ્ડ વેક્સિનની ખરીદી માટે કુલ 82.69 કરોડ તેમજ કોવેક્સિન વેક્સિનની ખરીદી માટે કુલ 10.46 કરોડ કરોડ અનુક્રમે સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને ચૂકવવામાં આવ્યા છે. ભારત સરકાર તરફથી 20 ઓક્ટોબર સુધીમાં ગુજરાત રાજ્યને કુલ 5 કરોડ 75 લાખ 80 હજાર 180 ડોઝ કોવિશિલ્ડ અને 76 લાખ 39 હજાર 940 ડોઝ કોવેકસીન મળીને કુલ 6 કરોડ 52 લાખ 20 હજાર 120 ડોઝ રસીના મળેલ છે. રાજ્યમાં કોરોનાની રસીનો સંગ્રહ કરવા કુલ 2250 સ્ટોર ઉપલબ્ધ છે. આ તમામ સ્ટોર ખાતે આ વેક્સિનનો સંગ્રહ 2°C થી 8°C તાપમાને કરવામાં આવે છે.