ઘાટીમાં 370ની કલમ નાબૂદી બાદ ગૃહમંત્રી અમિત શાહ પ્રથમવાર જમ્મૂ-કાશ્મીર જશે
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મૂ કાશ્મીરની મુલાકાતે જશે
- શનિવારે તેઓ જમ્મૂ કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે જશે
- આ દરમિયાન તેઓ સુરક્ષા સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી શનિવારના રોજ જમ્મૂ કાશ્મીરની મુલાકાત લેશે. તેઓ ત્રણ દિવસની મુલાકાતે જઇ રહ્યા છે. આ માટે તેઓ શ્રીનગર પહોંચશે. આ દરમિયાન તેઓ સુરક્ષા સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે.
જમ્મૂ કાશ્મીરમાં જ્યાં અત્યારે નિર્દોષ નાગરિકો પર હુમલા અને હત્યા થઇ રહી છે ત્યારે અમિત શાહ જમ્મ કાશ્મીરની મુલાકાત પર જઇ રહ્યા છે. ઑગસ્ટ 2019માં ઘાટીમાંથી કલમ 370 હટાવ્યા બાદ અમિત શાહની જમ્મૂ કાશ્મીરમાં આ પ્રથમ મુલાકાત હશે. ઘાટીમાં ટાર્ગેટ કિલિંગ બાદ વાતાવરણ તંગદિલીભર્યું છે ત્યારે તણાવ દૂર કરવા માટે આ પ્રકારના હુમલાને અંજામ આપનારા તત્વો સામે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ અપાઇ છે.
જમ્મૂ કાશ્મીરમાં અમિત શાહની મુલાકાત અગાઉ સુરક્ષાના ભાગ રૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ શ્રીનગરમાં તપાસ અને શોધખોળમાં વધારો કર્યો છે. જમ્મૂ અને કાશ્મીર પોલીસ અનુસાર, સુરક્ષા દળોએ ઘાટીમાં 10 એન્કાઉન્ટરમાં 17 આતંકીઓન નિષ્ક્રિય કર્યા છે.
નોંધનીય છે કે, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ જમ્મુ -કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાના કાવતરાના સંબંધમાં 11 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા હેઠળ શ્રીનગર, બારામુલ્લા, પુલવામા, અવંતીપોરા, સોપોર અને કુલગામમાં શોધખોળ ચાલી રહી છે.