1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં ઠંડીને લીધે તાવ-શરદી અને ઉધરસના 1000 કેસ નોંધાયા, ખાનગી દવાખાનામાં પણ લાઈનો
ભાવનગરમાં ઠંડીને લીધે તાવ-શરદી અને ઉધરસના 1000  કેસ નોંધાયા, ખાનગી દવાખાનામાં પણ લાઈનો

ભાવનગરમાં ઠંડીને લીધે તાવ-શરદી અને ઉધરસના 1000 કેસ નોંધાયા, ખાનગી દવાખાનામાં પણ લાઈનો

0
Social Share

ભાવનગરઃ ગોહિલ પંથકમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. ટાઢાબોળ પવન ફૂંકાવાનો આરંભ થઇ ગયો છે ત્યારે ભાવનગર શહેરમાં છેલ્લાં 15 દિવસમાં તાવ, શરદી, ઉધરસના કુલ એક હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે.  આ શહેરના 14 આરોગ્ય કેન્દ્રના આંકડા છે, જ્યારે ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. શહેરમાં પ્રથમ મિશ્ર ઋતુ અને હવે કડકડતી ઠંડીને લીધે તાવ, શરદી અને ઉધરસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

ભાવનગર શહેરમાં ખાસ કરીને નાના બાળકો અને વડીલોમાં શરદી ઉધરસના કેસમાં જબરો ઉછાળો આવ્યો છે. શહેરના પીએચસી, સીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરમાં આવા દર્દીઓની સંખ્યા વધી છે. ભાવનગર શહેરની ખાનગી ક્લિનિકમાં પણ દર્દીઓની લાઈનો લાગે છે .પ્રિસ્ક્રિપ્શન વિના દવા લેનારાની સંખ્યા પણ વધી છે. શહેરના આરોગ્ય વિભાગ હેઠળના 14 સેન્ટરમાં પણ 1 હજારથી વધુ દર્દીઓ 15 દિવસમાં નોંધાયા છે. અગાઉ શહેરમાં ડબલ ઋતુ અને હાલ ઠંડીના કારણે લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાની સંભાવના છે.

શહેરના મ્યુનિના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઠંડીને કારણે  ખાસ કરીને નાના બાળકોમાં બીમારીની શક્યતા વધારે છે. જેથી સવારે અને સાંજે ગરમ કપડાં વિના ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. બપોરે ગરમી થાય તો પણ ઠંડા પીણાંથી દૂર રહેવું જરૂરી છે અને તાવ, શરદી કે ઉધરસ જેવું લાગે અને જરૂર પડે તો જાતે ડોકટર બન્યા વગર તબીબને દેખાડીને જ દવા લેવી જોઇએ.  આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ વધારવા હળવી કસરતો કરવી, પ્રાણાયામ કરવા અને યોગાસન કરી રોગપ્રતિકારક શક્તિ વધે તેવા પ્રયાસ કરવા જોઈએ. આ ઉપરાંત લીલા શાકભાજી તેમજ નાના બાળકોને હળદર સાથે ધીમી આંચમાં ગરમ કરેલું દૂધ આપવું જોઈએ. શિયાળામાં સૂકી ઉધરસ, તાવ તથા શરદીનું પ્રમાણ વધુ જોવા મળે છે. મોટી વયના લોકોને હાડકાના સાંધાના દુ:ખાવો સહિતની બીમારીનું પ્રમાણ વધુ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે  શીત લહેરને કારણે શરદી, ઉધરસ, તાવની સાથે સાથે ઝાડા-ઉલટીનું પ્રમાણ વધુ રહે છે. આથી નાનાં બાળકોને બીમારીથી બચાવવા ભીડવાળી જગ્યાઓ પર લઇ જવા, જંકફૂડ, ઠંડાંપીણાં, બરફ જેવી ખાદ્ય ચીજવસ્તુઓથી દૂર રાખવા, બીમાર બાળકોને તાત્કાલિક સારવાર અપાવવી હિતાવહ છે. કડકડતી ઠંડી પડતી હોય ગરમ વસ્ત્રો પહેર્યા વગર બહાર નિકળવું હિતાવહ નથી. મોડી રાત્રે કે વહેલી સવારે પણ ગરમવસ્ત્રોમાં બહાર નીકળવું જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code