Site icon Revoi.in

કોમનવેલ્થ માટે અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા 1278 કરોડની ફાળવણી

Commonwealth Games-2030 logo made from 1200 kg of waste kite string

Commonwealth Games-2030 logo made from 1200 kg of waste kite string

Social Share

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026: અમદાવાદના આંગણે વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ રમાવવાની છે, અને તેની આગોતરી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે વિધાનસભામાં રજુ કરેલા વર્ષ 2026-27ના બજેટમાં અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે રૂપિયા 1278 કરોડની ફાળવણી કરી છે.

 ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે આજે નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું હતુ. નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવી હતી. બજેટમાં નાણામંત્રીએ સ્પોર્ટ્સ પર ખાસ ધ્યાન આપ્યું છે. ગુજરાત હવે માત્ર વેપાર અને ઉદ્યોગનું જ કેન્દ્ર નથી રહ્યું, પરંતુ વિશ્વના રમતગમત નકશા પર પણ પોતાની અમીટ છાપ છોડવા તૈયાર છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ગુજરાતને મળતા રાજ્યની વૈશ્વિક પ્રતિષ્ઠામાં મોટો ઉછાળો આવ્યો છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ તરીકે વિકસાવવા માટે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ₹1278 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. આ ભંડોળનો મુખ્ય હેતુ અમદાવાદને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ હબ બનાવવાનો છે.

અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી’ બનાવવા માટેના આયોજનમાં નીચેની બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. જેમાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમોનું નિર્માણ કરવામાં આવશે. રમતવીરો અને પ્રેક્ષકોની સુવિધા માટે આધુનિક મેટ્રો રેલ અને બસ ટ્રાન્સપોર્ટ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. રસ્તાઓનું નવીનીકરણ, લાઈટિંગ અને પ્રવાસન સ્થળોના વિકાસ સાથે શહેરનો કાયાકલ્પ થશે.

કોમનવેલ્થ ગેમ્સ માત્ર રમતગમત પૂરતી સીમિત નથી, પરંતુ તે ગુજરાતના અર્થતંત્રને નવી ગતિ આપશે. બાંધકામ, હોસ્પિટાલિટી (હોટેલ), ટ્રાન્સપોર્ટ અને સેવા ક્ષેત્રમાં હજારો નવી નોકરીઓનું સર્જન થશે. વૈશ્વિક સ્તરે પ્રચાર થવાથી વિદેશી રોકાણકારો માટે ગુજરાત આકર્ષણનું કેન્દ્ર બનશે. રમતગમત પ્રેમીઓ અને પ્રવાસીઓના આગમનથી રાજ્યના પર્યટન ઉદ્યોગને મોટો વેગ મળશે. આ પ્રોજેક્ટથી નિર્મિત થનારી સુવિધાઓ માત્ર રમતગમત પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તે આવનારી પેઢીઓ માટે લાંબાગાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાબિત થશે.”

નોંધનીય છે કે, ₹1278 કરોડના આ પ્રોજેક્ટ સાથે અમદાવાદ હવે વૈશ્વિક સ્પોર્ટ્સ સિટી તરીકે ઉભરી આવશે. કોમનવેલ્થ ગેમ્સ 2030 ના આયોજનથી ગુજરાતની ગરિમા વિશ્વસ્તરે વધશે અને રાજ્યના યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ પોતાના જ આંગણે મળશે.

Exit mobile version