
કર્ણાટકના હાવેરીમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 વ્યક્તિના મોત
બેંગ્લોરઃ કર્ણાટકના હાવેરી જિલ્લામાં આજે સવારે એક માર્ગ અકસ્માતમાં બે બાળકો સહિત 13 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. આ અકસ્માત પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર થયો હતો. સ્થાનિક પોલીસનું કહેવું છે કે એવું લાગે છે કે અકસ્માતગ્રસ્ત બસનો ડ્રાઈવર ઊંઘી ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, તીર્થયાત્રીઓને તેમના ગંતવ્ય સ્થાને લઈ જતી મીની બસ બ્યાડગી તાલુકાના ગુંદેનહલ્લી ક્રોસિંગ પર વહેલી સવારે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. તમામ પીડિતો શિવમોગ્ગાના છે. બધા બેલગવી જિલ્લાના સાવદત્તીથી દેવી યલ્લમ્માના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
પુણે-બેંગ્લુરુ નેશનલ હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતને પગલે બસમાં સવાર પ્રવાસીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. આ બનાવને પગલે સ્થાનિકો અને ઉચ્ચપોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યાં હતા.