1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 14 ડેમો હાઈએલર્ટ પર, 49 ડેમાં 10 ટકાથી ઓછું પાણી
ગુજરાતમાં 14 ડેમો હાઈએલર્ટ પર, 49 ડેમાં 10 ટકાથી ઓછું પાણી

ગુજરાતમાં 14 ડેમો હાઈએલર્ટ પર, 49 ડેમાં 10 ટકાથી ઓછું પાણી

0
Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા છે, અને મેઘરાજા સમયાંતરે અમી વર્ષા વરસાવી રહ્યા છે. આજે શુક્રવારે બપોર સુધીમાં 89 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં બનાસકાંઠાના પાલનપુર,દાંતા, વડગામમાં ત્રણ ઈંચ, સાબરકાંઠાના વિજયનગર, સુરતના ઉંમરપાડા અને મોરબીના હળવદમાં પણ ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. અને બાકીના તાલુકામાં ઝાંપટાથી લઈને બે ઈંચ વરસાદ પડ્યો હતો.

ચોમાસુ ફરી સક્રિય થવાથી ગુજરાતમાં ડેમોમાં નવા નીર આવ્યા છે. સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતાં 14 ડેમો હાઇએલર્ટ પર મૂકાયાં છે. 7 ડેમો એલર્ટ પર છે. 49 ડેમો એવા છે જેમાં 10 ટકાથી ઓછુ પાણી ઉપલબ્ધ છે. ગુજરાતમાં અત્યારે 207 ડેમોમાં પૈકી 10 ડેમો સંપૂર્ણપણે ભરાયા છે. જોકે, હજુ ઉત્તર ગુજરાતમાં 15 ડેમો પૈકી એકેય ડેમ ભરાયો નથી. કચ્છના ડેમોમાં ય આ જ સ્થિતિ છે.આ વિસ્તારના ડેમોમાં હાલ 23.61 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલ ગુજરાતના ડેમોમાં કુલ મળીને 56.55 ટકા પાણી છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા નર્મદા ડેમમાં છેલ્લાં 24 કલાકમાં 63 સેમીનો વધારો નોધાયો છે. અત્યારે નર્મદા ડેમની જળસપાટી 119.02 મિટર સુધી પહોચી છે.

બે દિવસ ભારે વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. IMDના અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે, જેથી અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવકાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી ચોમાસુ ફરીવાર સક્રિય થઈ ગયું છે. હાલમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં મેઘમહેર યથવાત્ રહેશે, એવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં અત્યાર સુધીમાં 56.30 ટકા, ઉત્તર ગુજરાતમાં 46 ટકા, મધ્ય ગુજરાતમાં 49.38 ટકા, સૌરાષ્ટ્રમાં 61.56 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 63 ટકા વરસાદ થયો છે. ગુજરાતમાં સિઝનનો કુલ વરસાદ 57.74 ટકા થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સવારથી શનિવાર સવાર સુધી ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં અત્યાર સુધી કોરાધાકોર રહેલા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code