
દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને હવે પોઝિટિવ કેસનો આંકડો 90 હજારની ઉપર પહોંચ્યો છે. છેલ્લા સાતેક દિવસથી કોરોનાના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ સહિતના પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. દિલ્હીમાં વિકએન્ડ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. પ્રતિબંધોની અસર લોકોની ખરીદી પર પણ જોવા મળી રહી છે. તેમજ બજારમાં પેનિક બાયિંગનો ટ્રેન્ડ વધ્યો છે. સ્ટોર શેલ્ફ અને ઈ કોમર્સ પ્લેટફોર્મથી જરૂરી સામાન ઓછો થવા લાગ્યો છે. બીજી તરફ ઓનલાઈન શોપીંગમાં છેલ્લા 7 દિવસમાં 15 ટકાનો વધારો થયો છે.
દેશના વિવિધ રાજ્યોમાં પ્રતિબંધોને કારણે તેની જનજીવન ઉપર અસર પડવાની શકયતા છે. તેમજ લોકો મોટી સંખ્યામાં ઓનલાઈન ખરીદીનું પસંદ કરી રહ્યાં છે. જેથી તમામ કેટેગરીમાં ઓનલાઈન વેચાણ 10-15 ટકા સુધી વધ્યું છે. ચોકલેટ અને પેય પદાર્થો સહિત સાબુ, શેમ્પૂ, સાફ સફાઈની પ્રોડક્ટ્સ અને અન્ય અનેક ચીજોનું વેચાણ બમણું થઈ રહ્યું છે. સેનેટાઈઝર, એન95 માસ્કના વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સારી વાત એ છે કે 2 લહેરથી કંપનીઓએ પણ સ્ટોકની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. કોરોનાના કેસમાં વધારો થતા લોકો ઘરમાં જીવન જરૂરી વસ્તુઓનો સ્ટોક કરી રહ્યા છે. લોકો બજારમાં ખરીદી કરવાને બદલે ઓનલાઈન શોપિંગને પ્રાધાન્ય આપી રહ્યા છે. બજાર ખુલવાના સમય પર લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે લોકો આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે ઓનલાઈન માર્કેટપ્લેસને પ્રાધાન્ય આપી રહ્યા છે.
(Photo-File)