1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં અસ્થિરતા ફેલાવવા માંગતા 15 આતંકી સંગઠનો હજુ પાકિસ્તાનમાં સુરક્ષિત, અમેરિકી રિપોર્ટમાં ઘટસ્ફોટ
ભારતમાં અસ્થિરતા ફેલાવવા માંગતા 15 આતંકી સંગઠનો હજુ પાકિસ્તાનમાં સુરક્ષિત, અમેરિકી રિપોર્ટમાં ઘટસ્ફોટ

ભારતમાં અસ્થિરતા ફેલાવવા માંગતા 15 આતંકી સંગઠનો હજુ પાકિસ્તાનમાં સુરક્ષિત, અમેરિકી રિપોર્ટમાં ઘટસ્ફોટ

0
Social Share

નવી દિલ્હી, 28 માર્ચ 2026: પાકિસ્તાન આતંકવાદનું ‘એપીસેન્ટર’ હોવાના ભારતના દાવા પર વધુ એક વખત આંતરરાષ્ટ્રીય મહોર વાગી છે. અમેરિકાની પ્રતિષ્ઠિત ‘કોંગ્રેસ રિસર્ચ સર્વિસ’ (CRS)એ જાહેર કરેલા તેના ‘ઇન ફોકસ’ રિપોર્ટમાં પાકિસ્તાનનો અસલી ચહેરો ખુલ્લો પાડ્યો છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન આજે પણ ભારત વિરોધી આતંકવાદી સંગઠનો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનેલું છે, જ્યાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો કોઈ પણ રોકટોક વગર પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા છે.

દક્ષિણ એશિયાના નિષ્ણાત કે. એલન ક્રોનસ્ટેડ દ્વારા તૈયાર કરાયેલા આ અહેવાલમાં કુલ 15 આતંકવાદી સંગઠનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ યાદીમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હરકત-ઉલ-જિહાદ ઇસ્લામી, હરકત-ઉલ-મુજાહિદ્દીન અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા ખતરનાક જૂથોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે આ તમામ સંગઠનોનું મુખ્ય લક્ષ્ય જમ્મુ-કાશ્મીરમાં અસ્થિરતા ફેલાવવી અને ભારત પર હુમલા કરવાનું છે.

રિપોર્ટમાં આતંકી સંગઠનોની વર્તમાન સ્થિતિ અંગે ચોંકાવનારી વિગતો અપાઈ છે. હાફિઝ સઈદનું લશ્કર-એ-તૈયબા સંગઠન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને પંજાબ પ્રાંતમાં હજારો લડાયક આતંકીઓ સાથે સક્રિય છે. આંતરરાષ્ટ્રીય દબાણથી બચવા માટે તેઓ ‘જમાત-ઉદ-દાવા’ના નામે પોતાની ગતિવિધિઓ ચલાવી રહ્યા છે. મસૂદ અઝહરના નેતૃત્વ હેઠળના જૈશ-એ-મોહમ્મદ પાસે 500થી વધુ સશસ્ત્ર આતંકીઓ છે, જેઓ કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવાના મનસૂબા ધરાવે છે. આ સંગઠને અમેરિકા સામે પણ ખુલ્લેઆમ યુદ્ધની જાહેરાત કરેલી છે. 1500 જેટલા સક્રિય સભ્યો ધરાવતું આતંક સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સંપૂર્ણપણે કાશ્મીર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

CRS એ પાકિસ્તાનને એક વિચિત્ર પરિસ્થિતિમાં દર્શાવ્યું છે. એક તરફ પાકિસ્તાન પોતે બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના આંતરિક વિદ્રોહથી ઘેરાયેલું છે, જેને તે આતંકવાદ ગણાવે છે. પરંતુ બીજી તરફ, તે જ પાકિસ્તાન ભારતને નિશાન બનાવતા આતંકી નેટવર્કોની ‘યજમાની’ કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ, પાકિસ્તાની મદરસાઓમાં હજુ પણ કટ્ટરપંથી વિચારધારા ભણાવવામાં આવે છે જે યુવાનોને હિંસક ઉગ્રવાદ તરફ ધકેલે છે.

વર્ષ 2014માં પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ ‘નેશનલ એક્શન પ્લાન’ બનાવ્યો હતો, પરંતુ અમેરિકી રિપોર્ટ કહે છે કે પાકિસ્તાન આ આતંકી માળખાને તોડવામાં કાં તો અસમર્થ છે અથવા તેની નિયત જ નથી. આ અહેવાલે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો પક્ષ મજબૂત કર્યો છે, જે વર્ષોથી સરહદ પારના આતંકવાદનો મુદ્દો ઉઠાવી રહ્યું છે.

આ પણ વાંચોઃ રશિયા સ્થાનિક ઉત્પાદકો દ્વારા ગેસોલિન નિકાસ પર પ્રતિબંધ લાદશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code