1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં મેગા ઓપરેશન હાથધરી 1589 બાંગ્લાદેશીઓને પરત મોકલાયા
દિલ્હીમાં મેગા ઓપરેશન હાથધરી 1589 બાંગ્લાદેશીઓને પરત મોકલાયા

દિલ્હીમાં મેગા ઓપરેશન હાથધરી 1589 બાંગ્લાદેશીઓને પરત મોકલાયા

0
Social Share

નવી દિલ્હી, 23 માર્ચ 2026: દેશની રાજધાની દિલ્હીમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી પ્રવાસીઓ વિરુદ્ધ પોલીસનું અભિયાન તેજ બન્યું છે. દિલ્હી પોલીસના સત્તાવાર આંકડા મુજબ, જૂન 2025 થી ફેબ્રુઆરી 2026 દરમિયાન કુલ 1,589 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ઓળખ કરી તેમની અટકાયત કરવામાં આવી છે. આ તમામ લોકોને અગરતલા-બાંગ્લાદેશ સરહદ મારફતે પરત તેમના દેશ મોકલી દેવામાં આવ્યા છે.

નવેમ્બર 2024 થી મે 2025 ના સાત મહિનાના ગાળામાં 720 લોકો પકડાયા હતા, જેની સરખામણીએ છેલ્લા આઠ મહિનામાં આ સંખ્યા બમણીથી પણ વધુ નોંધાઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) ના આદેશ બાદ નવેમ્બર 2024 થી આ સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા શરણાર્થીઓની ઓળખ કરી તેમને ડિપોર્ટ (દેશનિકાલ) કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.

22 એપ્રિલ 2025 ના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. હુમલાના એક જ મહિનામાં આશરે 500 પ્રવાસીઓને શોધી કાઢવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 1,589 બાંગ્લાદેશીઓ ઉપરાંત 55 રોહિંગ્યા લોકોની પણ અટકાયત કરવામાં આવી છે.

વર્ષ 2025 માં સૌથી વધુ અટકાયત દિલ્હીના બાહ્ય જિલ્લાઓમાંથી કરવામાં આવી છે. આઉટર ડિસ્ટ્રિક્ટમાંથી 386, દક્ષિણ-પૂર્વમાંથી 287, ઉત્તર-પશ્ચિમમાંથી 249, ઉત્તર દિલ્હીમાંથી 194, દક્ષિણ દિલ્હીમાંથી 191, દ્વારકામાંથી 99 અને નવી દિલ્હીમાંથી 20 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવામાં આવ્યાં છે.

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મોટાભાગના ગેરકાયદેસર પ્રવાસીઓ હરિયાણા અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં આવેલા ઈંટના ભઠ્ઠાઓમાં મજૂર તરીકે છુપાઈને કામ કરતા હતા. પોલીસે તેમના કોન્ટ્રાક્ટરો અને સહયોગીઓની તપાસ કરી આ પ્રવાસીઓને ઝડપી પાડ્યા હતા.

શરૂઆતમાં પકડાયેલા લોકોને ટ્રેન દ્વારા પશ્ચિમ બંગાળ અને ત્યાંથી બસ દ્વારા બીએસએફ ચોકીઓ સુધી લઈ જવામાં આવતા હતા. પરંતુ સુરક્ષાના કારણોસર અને પ્રક્રિયા ઝડપી બનાવવા માટે, હવે તેમને ગાઝિયાબાદના હિન્ડન એરબેઝથી ખાસ વિમાનો દ્વારા અગરતલા મોકલવામાં આવે છે અને ત્યાંથી સરહદ પાર કરાવી દેવામાં આવે છે.

ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતા, નકલી દસ્તાવેજો બનાવતા અને રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપતા નેટવર્ક વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલે અનેક એફઆઈઆર નોંધી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વડાઓને સરહદો પર દેખરેખ વધારવા અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ: આસામ એરફોર્સ સ્ટેશનમાં કાર્યરત કર્મચારીની ધરપકડ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code