બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યને 1798 કરોડનું નુકસાન, કેન્દ્રીય ટીમ સમક્ષ કરાઈ રજૂઆત
અમદાવાદઃ ગુજરાતમાં બે મહિના પહેલા આવેલા બિપરજોય વાવાઝોડાને પગલે 1798 કરોડનું નુકસાન થયું હતું. જેથી કેન્દ્રને સહાય કરવા માટે રાજ્ય સરકારે માંગણી કરી છે. કેન્દ્ર સરકારની ટીમ કેન્દ્રીય સહાયની જાહેરાત પહેલા રાજ્યની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન રાજ્ય સરકારે બિરપજોય વાવાઝોડાને પગલે થયેલા નુકસાની અંગે રજૂઆત કરી હતી. વાવાઝોડાને પગલે સૌથી વધારે વીજળી અને તેને લગતી સેવાઓને નુકસાન થયું હતું. વાવાઝોડાથી સૌરાષ્ટ્ર-કચ્છના આઠ જિલ્લાના 443 ગામમાં અસર થઈ હતી.
કેન્દ્રની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળ આકારણી માટે રાજ્યની ચાર દિવસની મુલાકાતે છે. આ ટીમ વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ, પોરબંદર, બનાસકાંઠા સહિતના આઠ જિલ્લાની મુલાકાત લઈને સ્થળ આકારણી કરશે. આ ટીમ સમક્ષ ગુજરાત સરકારે બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાનીનો આંકડો રજૂ કર્યો હતો. વાવઝોડાથી વીજળી અને તેને લગતી સેવાને રૂ. 909 કરોડ, રોડ અને બિલ્ડીંગ વિભાગને રૂ.702 કરોડ, પોર્ટ અને ટ્રાન્સપોર્ટને રૂ.72.72 કરોડ, કૃષિને રૂ. 20 કરોડનું નુકસાન થયું છે.
રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને પગલે નુકસાનીનો સર્વે કરવા માટે સરકાર દ્વારા આદેશ કરાયો હતો. રાજ્યના કૃષિ વિભાગની કૃષિ ટીમ દ્વારા નુકસાનીનો તાગ મેળવવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 1.30 હજાર હેક્ટર ખેતીની જમીનની નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું. નુકસાનીનો સર્વે કરાયા બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આજે રાહત પેકેજની જાહેરાત કરી હતી.