Site icon Revoi.in

રાજકોટ જિલ્લામાં ત્રણ મહિનામાં લેન્ડ ગ્રેબિંગની 181 ફરિયાદ, 5 કેસમાં FRI નોંધવાનો આદેશ

Social Share

રાજકોટઃ જિલ્લામાં જમીનો પચાવી પાડવાના બનાવો વધતા જાય છે. જિલ્લા કલેકટર સમક્ષ છેલ્લા ત્રણ મહિનામાં લેન્ડ ગ્રેબિંગની 181 ફરિયાદ થઈ છે. જેમાંથી 118 કેસની સમીક્ષા બાદ તેને ફાઈલ કરવામાં આવ્યા છે. જ્યારે માત્ર 5 કેસમાં જ FIR નોંધવામાં આવી છે. જેથી કહી શકાય કે રાજકોટ શહેર અને જિલ્લામાં જમીન, મકાન અને મિલકત પચાવી પાડવાની ફરિયાદો વધી છે પરંતુ તેની સામે વહીવટી તંત્રની કેસ નિકાલની કામગીરી ધીમી હોવાનો સૂર ઊઠ્યો છે.

રાજકોટ શહેર સહિત જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સાથે જમીન-મકાન સંબંધીત ગુનાખોરીનો ગ્રાફ પણ ઉંચકાયો છે. પરંતુ સરકારી તંત્રની લાપરવાહીના કારણે કાર્યવાહી ધીમી ગતિએ કરવામાં આવતી હોવાનું કહેવાય છે. છેલ્લા 90 દિવસમાં જમીન-મકાન કે મિલક્ત પચાવવાની જિલ્લા કલેક્ટરને 181 ફરિયાદ કરવામાં આવી છે. આમ રાજકોટમાં દૈનિક સરેરાશ મિલક્ત પચાવવાના બે ગુના બને છે. તેની સામે કેસના નિકાલની કામગીરી અત્યંત ધીમી છે. ચાલુ મહિને લાંબા સમય બાદ મળેલી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં માત્ર 2 કેસમાં પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઓગષ્ટ મહિનામાં મળેલી બેઠકમાં કુલ 63 કેસ રજૂ કરવામાં આવ્યા હતા તેમાંથી રાજકોટ શહેરમાં 2 અને 1 ગ્રામ્ય વિસ્તારમાં મળી કુલ ત્રણ કેસમાં પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે પછી સપ્ટેમ્બર મહિનામાં મળેલી બેઠકમાં 60 કેસ મુકવામાં આવ્યા હતા જેમાં એક પણ કેસમાં ફરિયાદ નોંધવામાં આવી ન હતી. નવેમ્બર મહિનામાં મળેલી બેઠકમાં કમિટી સમક્ષ કુલ 58 ફરિયાદ આવી હતી તેમાંથી રાજકોટ શહેરના 2 કેસમાં પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે 19 કેસમાં સમાધાન કરવામાં આવ્યું છે અને 36 ફરિયાદ પડતી મુકવામાં આવી છે તો 1 કેસ પેન્ડીંગ રાખવામાં આવ્યો છે. આમ છેલ્લા 3 મહિના દરમિયાન કુલ 181 કેસમાંથી 118 કિસ્સામાં સરકારી તંત્રએ કરેલી તપાસમાં કોઈ કાર્યવાહી ન કરવાનો રિપોર્ટ આપતા પડતા મુકવામાં આવ્યા છે.

Exit mobile version