- સમિત કોમ્પ્લેક્સમાં 4 હોસ્પિટલો હોવાથી આગને લીધે અફડા-તફડી મચી
- બ્રિગેડ કોલ જાહેર કરીને ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા
- ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો
ભાવનગરઃ શહેરના કાળાનાળા વિસ્તારમાં કાળુભા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લાગેલી આગ કોમ્પ્લેક્સના અન્ય ભાગોમાં પ્રસરતા અફડા-તફડી મચી ગઈ હતી. કોમ્પલેક્સમાં 3-4 હોસ્પિટલ આવેલી છે. જેમાં બાળકોની હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. જેને કારણે દોડાદોડી થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડને કોલ મળતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. સાથે જ બાળકોની હોસ્પિટલમાં પહેલા માળે કાચ તોડી સીડી મૂકી બાળકો સહિત દર્દીઓનું રેસ્ક્યૂ કરાયું હતું. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.સદભાગ્યે આગને લીધે કોઈ જાનહાની થઈ નથી. પણ બેઝમેન્ટમાં લાગેલી આગમાં અંદાજિત 7 ટુ-વ્હીલર અને 3 ફોર વ્હીલર બળીને ખાક થઈ ગયા હતા.
આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્સમાં વિકરાળ આગ લાગી હતી. આ કોમ્પ્લેક્સમાં ચિલ્ડ્રન હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલ કાર્યરત છે. ત્યારે અહી આગ લાગતા ભારે અફરાતરફી સર્જાઈ છે. બિલ્ડીંગમાં આગ લાગતા ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું કે કાળુભા રોડ સમીપ કોમ્પલેક્સમાં સવારે આગ લાગતા ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી હતી. બાળકોનું રેસ્કયૂ કરાયું હતું. કોઈ જાનહાનિ થઈ નથી. પાર્કિંગમાં આગ લાગ્યાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ કોમ્પલેક્સને ખાલી કરાવાયું છે.
ફાયર ઓફિસર પ્રદ્યુમ્નસિંહે જણાવ્યું હતું કે 19-20 માણસનું રેસ્કયૂ કરાયું છે. સમિપ કોમ્પ્લેક્સમાં મોટેભાગે હોસ્પિટલો છે. કોમ્પ્લેક્સના બ્રેઝમેન્ટમાં આગ લાગી હતી ને પછી આખી બિલ્ડિંગમાં આગ પ્રસરી હતી. 5 ફાયર ફાઇટર અને 50થી વધુ કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા હતા.
ભાવનગરના કમિશનર એન.વી.મીનાએ જણાવ્યું કે કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર કચરામાં આગ લાગી હતી. એના ધુમાડાથી હોસ્પિટલના દર્દીઓને અસર થતાં તેમને અન્ય જગ્યાએ ખસેડાયા હતા. આગને લઈ કોઈ જાનહાનિ થઈ નથી. ક્યાં કારણસર આગ લાગી હતી તેની યોગ્ય તપાસ કરી પગલાં લઈશું.

