
નાળિયેરી, કેરી, આંબા સહિતના વૃક્ષોને પૂન: સ્થાપિત કરવા 193 કૃષિ વૈજ્ઞાનિકો ખેડુતોને માર્ગદર્શન આપશે
ગાંધીનગરઃ તાઉ-તે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અને રાજુલા સહિત સાગરકાંઠા વિસ્તારને ભારે નુકસાન થયુ હતું. નાળિયેરી સહિત અનેક વૃક્ષો મુળમાં ઉખડીને જમીન દોસ્ત બન્યા છે. આવા વૃક્ષોને બચાવી શકાય કે કેમ તે અંગે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીના 190 જેટલા કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને યોગ્ય માર્ગદર્શન આપશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત પર આવેલી તાઉતે વાવાઝોડાની આફતથી અસર પામેલા ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેડૂતોના બાગાયતી પાકો-ખેતીને થયેલા વ્યાપક નુકશાનની જાત માહિતી મેળવી છે. મુખ્યપ્રધાનની આ મુલાકાતો દરમિયાન ધરતીપુત્રોએ પોતાના પુખ્ત વયના લાંબાગાળાના ફળાઉ આંબા, નાળિયેરી જેવા બાગાયતી પાક આપતાં વૃક્ષો આ તીવ્ર વાવાઝોડામાં પડી જઇ નાશ પામ્યાની વેદના અને વિતક વર્ણવી હતી.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ ખેડૂતો ધરતીપુત્રોની વેદના પ્રત્યે સંવેદના દર્શાવી રાજ્યમાં આવા બાગાયતી પાકોના વૃક્ષોને તે જ સ્થળે પૂન: સ્થાપિત કરવાનો એક નવતર અભિગમ અપનાવવા રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને પ્રેરિત કર્યો છે. મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં વિજય રૂપાણી એ આ સંદર્ભમાં કૃષિ વિભાગને સૂચવ્યું હતું કે, આવા નાશ પામેલા બાગાયતી પાકો નાળિયેરી, કેરી- (આંબા)ને ફરી પૂન: સ્થાપિત રિસ્ટોરેશન માટેની સંભાવનાઓ ચકાસી તે અંગે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞ કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પુરૂં પાડે.
મુખ્યપ્રધાનના આ પ્રેરક દિશાસૂચન અનુસાર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના 193 જેટલા કૃષિ વૈજ્ઞાનિકોને તાઉતે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત અને જ્યાં બાગાયતી પાકોને સૌથી વધુ વ્યાપક નુકશાન થયું છે તે જિલ્લામાં તાત્કાલિક મોકલવાની વ્યવસ્થા ગોઠવી છે. તદઅનુસાર, અમરેલી જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 48, ભાવનગર જિલ્લામાં આણંદ કૃષિ યુનિવર્સિટીના 43, ગીર-સોમનાથમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 78 તેમજ સુરત, વલસાડ અને નવસારી જિલ્લાઓમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના 24 એમ કુલ 193 કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં તત્કાલ પહોચી જશે. આ વિસ્તારોમાં નુકશાન પામેલા બાગાયતી પાકોના સર્વે સાથે નાળિયેરી આંબા, કેળ, દાડમ અને લીંબુના ઝાડ-છોડના પૂન: વાવેતર-રિસ્ટોરેશન માટે આ કૃષિ વૈજ્ઞાનિકો તાંત્રિક માર્ગદર્શન ધરતીપુત્રોને આપશે.