
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પંચમુખી સરોવરમાંથી 194 મગરોને રેસ્ક્યુ કરાયા
વડોદરાઃ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસે આવેલા લેકમાંથી 194 મગરોને હટાવીને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. આ સરોવરમાં નૌકાયાન કરતા મુસાફરોની સુરક્ષા માટે આ શિફ્ટિંગ કરવામાં આવ્યું છે.
કેવડિયા વિસ્તારના વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા બનાવાયેલી છે. તેની પાસે પંચમુખી સરોવર આવેલું છે. જે દુનિયાભરના મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. આ સરોવરમાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરતા હતા, જે મુસાફરો માટે ખતરો બની શકે તેમ હતા.
મુસાફરોની સુરક્ષાને ધ્યાનાં રાખીને વર્ષ 2019-20 માં મગરોના શિફ્ટિંગનું કામ શરૂ કરાયુ હતું. તે વર્ષે કુલ 143 મગરોને બીજી જગ્યાએ શિફ્ટ કરાયા હતા. ગત વર્ષે 51 મગરોને ગાંધીનગર તથા ગોધરાના બે રેસ્ક્યૂ કેન્દ્રોમાં મોકવામાં આવ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, આટલી મોટી સંખ્યામાં મગરોને શિફ્ટ કરાયા છતા હજી પણ સરોવરમાં મોટી સંખ્યામા મગર રહેલા છે.
મુસાફરોની સલામતી માટે તમામ તકેદારી રાખી રહ્યા છીએ. નર્મદા નદીમાંથી મગરો સરોવરમાં આવી જતા હોય છે. મગરોને રેસ્ક્યુ કરવાનું કામ ચાલુ રાખવામાં આવશે. સરોવરમાં નૌકા વિહાર દરમિયાન મગરોએ મુસાફરોને પરેસાન કર્યા નથી, છતાં મુસાફરોની સલામતી માટે પુરતુ ધ્યાન આપવામાં આવે છે.