નવી દિલ્હીઃ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના કામચલાઉ પગારપત્રક ડેટા દર્શાવે છે કે જુલાઈ 2025માં 20.36 લાખ નવા કર્મચારીઓ ઉમેરવામાં આવ્યા હતા. જુલાઈ 2025 સુધીમાં 31,146 નવી સંસ્થાઓને ESI યોજનાના સામાજિક સુરક્ષા કવચ હેઠળ લાવવામાં આવી હતી, જેનાથી વધુ કામદારો માટે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત થઈ હતી.
ડેટા દર્શાવે છે કે મહિના દરમિયાન ઉમેરાયેલા કુલ 20.36 લાખ કર્મચારીઓમાંથી, 9.85 લાખ કર્મચારીઓ, (જે કુલ નોંધણીના લગભગ 48.37 ટકા છે) 25 વર્ષ સુધીની વય જૂથના છે. વધુમાં પગારપત્રકના ડેટાના જેન્ડર મુજબ વિશ્લેષણ દર્શાવે છે કે જુલાઈ 2025માં ઉમેરાયેલા કુલ 20,36,008 કર્મચારીઓમાંથી મહિલા સભ્યોની ચોખ્ખી નોંધણી 4.33 લાખ હતી. વધુમાં, જુલાઈ 2025માં કુલ 88 ટ્રાન્સજેન્ડર કર્મચારીઓએ પણ ESI યોજના હેઠળ નોંધણી કરાવી હતી, જે સમાજના દરેક વર્ગને તેના લાભો પહોંચાડવા માટે ESICની પ્રતિબદ્ધતાને પ્રમાણિત કરે છે.