નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા સ્ટેશનરી સહિત શિક્ષણ સામગ્રીમાં 20થી 25 ટકાનો વધારો
અમદાવાદઃ ગુજરાતમાં તમામ શાળા કોલેજોમાં હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. અને 15મી જુન બાદ શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. એટલે શાળા-કોલેજોના સત્ર પ્રારંભ પહેલા જ વિદ્યાર્થીઓ અને વાલીઓ પુસ્તકો, નોટબુક્સ, અને અન્ય સ્ટેશનરીની ખરીદી કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે ગત વર્ષની તુલનાએ તમામ શિક્ષણ સામગ્રીમાં 20થી 25 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. એટલે શાળા-કોલેજોની ફી વધે તે પહેલા જ વાલીઓ પર વધુ એક બોજ સ્ટેશનરી-પુસ્તકોના ભાવ વધારાનો પડી રહ્યો છે.
ગુજરાતમાં ઉનાળું વેકેશન પૂરું થવાને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સ્ટેશનરી, યુનિફોર્મ, બુટ જેવી ભણતરની વસ્તુઓના વિક્રેતાઓ સજ્જ થઈ ગયા છે. જો કે, નોટબૂક, રબર, બોલપેન, પેન્સિલ, અન્ય પરીક્ષા લક્ષી વસ્તુઓમાં સરેરાશ 20 થી 25 ટકા જેટલો ભારે ભાવ વધારો આવ્યો છે. તો શુઝના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દફતરના એટલે કે સ્કૂલબેગના ભાવ પણ ગત વર્ષની તુલનાએ વધુ છે. વાલીઓનો આર્થિક બોજ હળવો થાય તો જ સામાન્ય ઘરના છાત્રોને આગળ ભણવામાં તકલીફ ન પડે કારણ કે હવે શિક્ષણમાં પણ સરકારી અને અને ખાનગી શાળા એમ બે વિભાગ પડી ગયા છે. ખાનગી ભણતર મોંઘુ તો છે જ પણ ક્યારેક બિનજરૂરી ખર્ચાઓ પણ વધી જતા હોય છે. ઘણી વખત ભણતરના પુસ્તકોની સાથે એકાદું કોઈ એવું પુસ્તક જે ખરેખર અભ્યાસક્રમમાં ન હોય છતાં પણ પુસ્તકોના સેટની સાથે ખરીદવું પડે છે. ખાનગી શાળાઓના પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી ચોક્કસ જગ્યાએથી જ મળે છે. આ વર્ષે પણ દરેક શિક્ષણની સામગ્રીમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ખાનગી શાળાઓના યુનિફોર્મના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દર્ક વાલીએ વિદ્યાર્થીદીઠ ઓછામાં ઓછા બેજોડ યુનિફોર્મ તો ખરીદવા પડતા હોય છે. યુનિફોર્મનો વેપાર કરતા રાકેશભાઈ નામના વેપારીના કહેવા મુજબ કાચા માલમાં 15 થી 20 ટકા નો અને સિલાઈ કામમાં 15 ટકાનો ભાવ વધારો હોવાને કારણે યુનિફોર્મ સરેરાશ મોંઘા બન્યા છે પણ આ વખતે હજુ ઘરાકી નિકળી નથી.