2024 લોકસભા ચૂંટણીઃ BJPએ 400થી વધારે બેઠકોને રાખ્યો લક્ષ્યાંક, 3 સભ્યોની ટીમ બનાવાઈ
નવી દિલ્હીઃ ભારતમાં વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ચૂંટણી જંગમાં ઉતરશે. જ્યારે કોંગ્રેસ, મમતા બેનર્જી સહિતના નેતાઓ ભાજપની સામે એક સાથે મળીને ચૂંટણી લડવાની રણનીતિ ઘડી રહ્યાં છે. ભાજપાએ લોકસભાની ચૂંટણીમાં 400થી વધારે બેઠકો ઉપર વિજયનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓને મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર લોકસભામાં સાંસદોની કુલ સંખ્યામાં 545 છે. વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળી હતી. આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે. દરમિયાન તમામ સર્વે અને ચૂંટણી વિશ્લેષકોના મતે હજુ પણ ભાજપની ધાર છે. વિપક્ષો પણ અત્યાર સુધી એક થઈ શક્યા નથી. ભાજપાએ લોકસભાની ચૂંટણીમાં 400થી વધારે બેઠકો ઉપર વિજયી થવાના લક્ષ્યાંક સાથે અત્યારથી જ રણનીતિ તૈયારીઓ શરૂ કરી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તાજેતરમાં ત્રણ સભ્યોની ટીમની નિમણૂંક કરી છે. આ ત્રણ નેતાઓમાં સુનીલ બંસલ, વિનોદ તાવડે અને તરૂણ ચુગ સામાવેશ થાય છે. આ ત્રણેય નેતા પાર્ટીના મહાસચિવ છે. આ ઉપરાંત જે તે રાજ્યના પ્રદેશ પ્રમુખોને મહત્વની સૂચના આપવામાં આવી છે. તેમજ સંગઠનને વધારે મજબુત બનાવવા આદેશ કર્યો છે. દેશમાં ચાલુ વર્ષે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે, આ ચૂંટણીને ભાજપ અને કોંગ્રેસ સેમિફાઈનલ તરીકે જોઈ રહી છે.