અમદાવાદ, 25 મે, 2026 : 21 forms filled for AMC Standing Committee Chairman and Members શહેરના મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપે જીત મેળવ્યા બાદ હવે પદાધિકારીઓની વરણીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યો માટે આજે 21 જેટલા કોર્પોરેટરોએ ફોર્મ ભર્યા છે. એએમસી કચેરીએ આજે સવારથી જ ભાજપના કોર્પોરેટરો તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરવા પહોંચી ગયાં હતા. આવતીકાલે મંગળવારે સવારે 11 વાગ્યે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના ફાઈનલ નામની જાહેરાત કરવામાં આવશે. તેમજ શાસક પક્ષના નેતા અને દંડકના નામોની પણ જાહેરાત કરાશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પાલડીના જૈનિક વકીલ, ખોખરાના કમલેશ પટેલ, સરદાર પટેલ સ્ટેડિયમના રાકેશ પરીખ, નિકોલના પરેશ લાખાણીના નામ ચર્ચાઈ રહ્યા છે. ગઈકાલે ભાજપ દ્વારા પાલડી કોર્પોરેટર જૈનિક વકીલ, અમરાઈવાડીના રાકેશ સક્સેના, ગોતા વોર્ડના કેતન પટેલ, નિકોલ વોર્ડના પરેશ લાખાણી, બોડકદેવના દેવાંગદાણી સહિત કુલ 30 કોર્પોરેટરોને ફોર્મ ભરવા માટે ટેલિફોનિક સૂચના આપવામાં આવી હતી.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા મેળવી છે. નગરપાલિકા અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતોમાં ભાજપે પ્રમુખ સહિતના પદાધિકારીઓની નિમણૂક કરી દીધી છે, ત્યારે હવે આજે ફોર્મ ભરવાની પણ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે.
અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી માટે આવતી કાલે 26મી મેએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાના કારણે તમામ પદાધિકારીઓની વરણી બિનહરીફ થવાની પૂરી શક્યતા છે.

