Site icon Revoi.in

કચ્છના માંડવીમાં હાઈવે પર 24 ગેરકાયદે દૂકાનોને તોડી પાડી જમીન ખૂલ્લી કરાવાઈ

Social Share

ભૂજઃ માંડવીમાં હાઈવે સાઈડ પર કરાયેલા ગરકાયદે બાંધકામો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ નોટિસ અપાયા બાદ તેની મુદત પૂર્ણ થતાં 24 દુકાનો પર બુડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય બાંધકામો દુર કરવા નોટિસ ફટકારવામાં આવી છે. અને સ્વૈચ્છાએ દબાણો હટાવી દેવાની સુચના આપવામાં આવી છે. વહિવટી તંત્રએ કડક પગલાં લેતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

માંડવીમાં ભુજ હાઈવે પરના પાકા બાંધકામો ઉપર વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરી છે. સરકારી સર્વે નંબર 370ની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. તંત્રએ  સવારથી મોડી સાંજ સુધીની કામગીરીમાં 24 દુકાનો તોડી પાડી હતી. જ્યારે અન્ય દુકાનોના કબ્જેદારોને દબાણ ખસેડી લેવા નોટિસ આપી છે. આ કાર્યવાહીમાં 880 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ જમીનની કિંમત 63.36 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

જિલ્લા કલેકટરના આદેશ બાદ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ વી.કે. પટેલે દબાણકર્તાઓને અગાઉ કેટલીય વાર નોટિસ આપી હતી. છતાં દબાણકર્તાઓએ ધ્યાન ન આપ્યું. અંતિમ નોટિસ બાદ 24 દુકાનદારોએ પોતાનો સામાન જાતે ખસેડ્યો હતો. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને પ્રાંત અધિકારી મુન્દ્રાના સુપરવિઝનમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. મામલતદાર વી.કે. ગોકલાણી, પીઆઇ સી.વાય. બારોટ, નાયબ મામલતદાર, નગરપાલિકા, નેશનલ હાઈવે અને PGVCLની ટીમે આ કામગીરી કરી હતી. મામલતદાર વિનોદ ગોકલાણીએ જણાવ્યું કે અન્ય દબાણકર્તાઓને પણ નોટિસ અપાઈ છે. જો તેઓ પોતાના દબાણો નહીં હટાવે તો આગામી 2 મેના રોજ બાકીના દબાણો પણ તોડી પાડવામાં આવશે.