સુરત, 8 ફેબ્રુઆરી 2026, રાજ્ય સરકારે તમામ આરટીઓને વાહનો પર મોડીફાઈ કરેલી એલઈડી લાઈટ્સ સામે ઝૂંબેશ ચલાવવાનો આદેશ કરાયા બાદ સુરતમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને આંખોને આંજી દેતી માડીફાઈ લાઈટ લગાવેલા 250થી વધુ વાહનો પકડીને વાહનદીઠ રૂપિયા 6000નો દંડ વસુલવામાં આવ્યો હતો.
સુરત શહેરના રસ્તાઓ પર રાત્રિના સમયે અન્ય વાહનચાલકોની સુરક્ષા જોખમાવતી અનધિકૃત અને ભારે તીવ્રતા ધરાવતી મોડીફાડ કરેલી એલઈડી હેડલાઈટ સામે સુરત આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. શહેરના વાય જંક્શન ખાતે સ્પેશિયલ ડ્રાઈવ યોજીને મોડિફાઈડ લાઈટ ધરાવતા 250થી વધુ વાહનચાલકો સામે આકરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાહનચાલકોને આંખોને આંજી દેતી મોડિફાઈ એલઈડી હેડ લાઈટ બદલ રૂ. 5000 અને રોડ સેફ્ટીને લઈ રૂ. 1000 એમ છ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ અંગે સુરતના આસિસ્ટન્ટ આરટીઓ અંકિત શાહના જણાવ્યા અનુસાર, ઘણા વાહનચાલકો કંપની ફિટિંગની હેડલાઇટ સાથે ચેડાં કરીને તેમાં વધુ તીવ્રતા ધરાવતા એલઈડી બલ્બ લગાવે છે. આવી સફેદ અને તેજ લાઈટો સામેથી આવતા વાહનચાલકોની આંખો અંજાવી દે છે, જે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આરટીઓ દ્વારા દંડની રકમનું વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં મોટર વાહન ધારાની કલમ 182 હેઠળ અનધિકૃત રીતે બલ્બમાં ફેરફાર કે ચેડાં કરવા બદલ 5,000નો દંડ, રોડ સેફ્ટી જોખમને લઈને જાહેર માર્ગ પર અન્ય માટે જોખમ ઊભું કરવા બદલ વધારાનો 1,000 દંડ એમ કુલ દંડ 6,000 સુધીનો વસૂલવામાં આવ્યો હતો.

