Site icon Revoi.in

ગુજરાતમાં ભારે વરસાદને લીધે 28 ડેમ છલકાયાં, 46 ડેમ હાઈએલર્ટ પર

Social Share

અમદાવાદઃ રાજ્યમાં અષાઢ મહિનો વર્ષાથી ભરપૂર રહ્યો છે. રાજ્યમાં 53.39 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 63.35 ટકા, ઉત્તર ગુજરાતમાં 52.48 ટકા,  મધ્ય ગુજરાતમાં 50.06 ટકા, સૌરાષ્ટ્રમાં 52.66 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં 56.32 ટકા વરસાદ પડ્યો છે. ભારે વરસાદને લીધે રાજ્યના 28 જળાશયો છલોછલ 100 ટકા ભરાયા છે. 61 જળાશયો 70થી 100 વચ્ચે ભરાયા છે. 36 જળાશયો 50થી 70 ટકા વચ્ચે ભરાયા છે. 43 જળાશયો 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 38 જળાશયો 25 ટકાથી નીચે ભરાયા છે. રાજ્યમાં 46 જળાશયોને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. 18ને એલર્ટ અને 25 જળાશયોને વોર્નિંગ પર મુકવામાં આવ્યા છે.

ગુજરાતમાં 16 જૂનથી મેઘરાજાના આગમન બાદ અત્યાસુધી સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે. શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વચ્ચે થોડો બ્રેક લીધો હતો. જોકે, છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે રાજ્યના 206 ડેમની સ્થિતિની વાત કરીએ તો 46 ડેમ હાઇ એલર્ટ, 18 એલર્ટ અને 25 ડેમ વોર્નિંગ પર છે. જ્યારે સરદાર સરોવર ડેમ 56.78 ટકા ભરાયો છે. રાજ્યના 206 જળાશયોમાં હાલ સરેરાશ 60.05 ટકા જળસંગ્રહ છે. જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલનો સંગ્રહ 187307 મિલિયનક્યુબ ફિટ છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 56.78 ટકા છે.

રાજ્યમાં હાલ જે જળાશયો છલોછલ છે તેમાં અમરેલી, બોટાદ, દાહોદ, જામનગરના 2-2, કચ્છના 5, ભાવનગરના 4, સુરત-પોરબંદર-દેવભૂમિ દ્વારકા-નર્મદાના 1-1 જળાશયનો સમાવેશ થાય છે. 20મી જુલાઈની સ્થિતિએ 70 ટકાથી 100 ટકા વચ્ચે ભરાયેલા હોય તેવા 60, 50 ટકાથી 70 ટકા વચ્ચે ભરાયેલા હોય તેવા 37, 25 ટકાથી 50 ટકા વચ્ચે ભરાયેલા હોય તેવા 42 જ્યારે 25 ટકાથી નીચે ભરાયેલા હોય તેવા 38 જળાશયો છે.