નવી દિલ્હીઃ દેશના 12 રાજ્યોમાં હાલ સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદાર યાદીઓનું ઘર-ઘર સર્વે અને ડિજિટાઇઝેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ પ્રક્રિયા દરમિયાન અનેક વિવાદો સામે આવી રહ્યા છે અને સાથે સાથે BLO (બ્લોક લેવલ ઓફિસર)ના મોતનાં કિસ્સાઓ પણ દેશભરમાં વધતા જોવા મળી રહ્યા છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ હતી.
પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યમાં 78% મતદાર ફોર્મનું ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે, 22% કામગીરી હજુ બાકી છે. અત્યાર સુધીમાં 28 લાખ મતદારોનાં નામ યાદીમાંથી કાપી નાખવામાં આવ્યા છે. આ 28 લાખમાંથી 9 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, બાકીનાં અન્ય રહેવા જતા રહ્યાંનું મનાઈ રહ્યું છે.
ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે 26 લાખ મતદારોનાં નામ 2002ની મતદાર યાદી સાથે મેળ ખાતા નથી, જે મોટો તફાવત ગણાય છે. આ સરખામણી 2002–2006 દરમિયાન દેશભરમાં થયેલી છેલ્લી SIR યાદીઓ સાથે કરવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળની CM મમતા બેનર્જી સતત SIR પ્રક્રિયા અને ચૂંટણી પંચ પર હુમલો કરી રહી છે. તેમણે આરોપ મૂક્યો કે “આ પાછલા દરવાજેથી NRC લાગુ કરવાની સાજિશ છે.” તેમણે BSFને પણ નિશાન બનાવ્યું અને પૂછ્યું કે, “ઘુસણખોરોને બંગાળમાં આવવા કોણ દે છે? BSF શું કરી રહી છે?” મમતાના જણાવ્યા મુજબ આવાં પગલાં રાજ્યમાં ગેરકાયદેસર રીતે રાજકીય હસ્તક્ષેપની તરફ દોરી જાય છે.
SIR પ્રક્રિયા દરમિયાન દેશના 12 રાજ્યોમાં 51 કરોડ મતદારોના ઘરે BLO ટીમ પહોંચ્યાં છે. હાલની સ્થિતિએ 5 લાખથી વધુ BLO કાર્યરત છે, જો કે, વધારે કામના દબાણ અને લાંબી ડ્યૂટીના કારણે દેશભરમાં અત્યાર સુધી 20–25 BLOનાં મોત થઈ ચૂક્યાં છે. મમતાએ દાવો કર્યો કે માત્ર પશ્ચિમ બંગાળમાં જ 30થી વધુ BLOનાં મોત થયા છે.
BLOનાં વધતા મોત અને કાર્યની પરિસ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટએ ચૂંટણી પંચ પાસેથી વિગતવાર જવાબ માંગ્યો છે. કોર્ટએ સ્પષ્ટ જણાવ્યું કે, BLOનાં મોત અવગણવા જેવા નથી, ચૂંટણી પંચે તેમની સુરક્ષા અને કામની પરિસ્થિતિ અંગે સ્પષ્ટ પગલાં લેવાના રહેશ. આ મામલે હવે આવતા દિવસોમાં વધુ કાર્યવાહી થઈ શકે છે.

