Site icon Revoi.in

28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને ગાંધીનગરથી ફ્લેગ ઓફ કરાવ્યું

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ફાળવાયેલી 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને ગાંધીનગરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવા ફોજદારી સમયાનુકૂળ કાયદાઓ અમલમાં આવ્યાં છે. નવા ફોજદારી કાયદાઓમાં કન્વીક્શન રેટ વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગુન્હાઓની તપાસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ કાયદાઓના અમલમાં 7 વર્ષથી વધુ સજાપાત્ર ગુન્હામાં ફોરેન્સિક તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે ત્યારે ફોરેન્સિક સાયન્સની ભૂમિકા વધી છે.

ગુન્હા બનાવ કે અકસ્માત સ્થળ પરીક્ષણમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક તપાસ તેમજ પુરાવા એકત્ર કરવામાં સાયન્ટિફિક ઓફિસર સાથેની મોબાઈલ ફોરેન્સિક વાનની મહત્વની બની રહે છે. રાજ્યમાં આવી વધુ મોબાઈલ ફોરેન્સિક વાન કાર્યરત થવાથી ફોરેન્સિક ક્ષમતામાં વધારો થયો છે. હાલમાં, ફોરેન્સિક તપાસ માટે 47 વાન છે તેમાં આ નવી 28 ફોરેન્સિક વાન ઉમેરાતા આ સંખ્યા વધીને હવે 75 થશે. આના પરિણામે ફોરેન્સિક તપાસ ઝડપથી અને અસરકારક રીતે થઇ શકશે.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ મોબાઈલ ફોરેન્સિક લેબમાં એન.ડી.પી.એસના તાત્કાલિક સ્થળ પર જ નિરીક્ષણ, ડી.એન.એ ટેસ્ટની વ્યવસ્થાઓ તથા કોઈપણ પ્રકારની આગ લાગી હોય, કોઈ આકસ્મિક ઘટના બની હોય અથવા કોઈપણ પ્રકારના એટેક થયા હોય એમાં ફોરેન્સિક સાયન્સની ફિલ્ડમાં કોઈ પણ ઇક્વિપમેન્ટની જરૂર હોય છે. આ બધા જ ઇક્વિપમેન્ટથી સજ્જ આ મોબાઈલ ફોરેન્સિક વાન આજથી ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષામાં મહત્વનો ફાળો આપશે.

ઉલ્લેખનીય છે કે, આ 28 નવી મોબાઈલ ફોરેન્સિક વાન કેન્દ્ર અને રાજ્યના સરકારના અનુદાનમાંથી ફાળવવામાં આવી છે. અદ્યતન ફોરેન્સિક સાધનો અને ઉપકરણો સાથેની આ ફોરેન્સિક વાન જિલ્લા-શહેરોમાં હાલમાં કાર્યરત ફોરેન્સિક નિષ્ણાતોના મંતવ્ય-અભિપ્રાયના આધારે સજ્જ બનાવવામાં આવી છે. આ મોબાઇલ ફોરેન્સિક વાનથી રાજ્યમાં ફોરેન્સિક સેવા વધુ સુલભ થશે અને ગુનાઓની ઝડપી, અને અસરકારક તપાસ શક્ય બનશે.