Site icon Revoi.in

રાજકોટમાં ખાનગી શાળાઓ છોડીને 2849 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

Social Share

રાજકોટઃ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટેની સુવિધા વધારાતા તેમજ શિક્ષણમાં પણ સુધારો થતાં હવે વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલો છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 2849 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓએ ખાનગી સ્કૂલ છોડી 938 સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં એક વિદ્યાર્થિની કે જે ખાનગી સ્કૂલમાં ધો.4માં 99% સાથે પ્રથમ ક્રમે આવી હતી તેમ છતાં પણ તેને તે ખાનગી સ્કૂલ છોડી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે જ્યારે ધો.6ના એક વિદ્યાર્થીને ખાનગી સ્કૂલમાં 98% આવ્યા હોવા છતાં સરકારી સ્કૂલમાં એડમિશન લીધું છે.

ગુજરાતમાં હવે સરકારી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ માટેની ભૌતિક સુવિધામાં વધારો થઈ રહ્યો છે. સરકારી સ્કૂલો પણ ખાનગી સ્કૂલોની જેમ સ્માર્ટ બની રહી છે.સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસ મારફત ભણતર, કોમ્પ્યુટર તેમજ મેથ્સ-સાયન્સ લેબ, સ્કોલરશીપ માટેની પરીક્ષાની અલગથી તૈયારીઓ, સ્પોર્ટસ એક્ટિવિટી સહિતનું બાળકોનો સર્વાંગી વિકાસ કરતું શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવે છે.

રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 93માંથી 84 સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી પ્રવેશ મેળવ્યો છે. 1185 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓએ ખાનગી સ્કૂલ મૂકી સરકારી સ્કૂલમાં એડમિશન મેળવ્યું છે. જેમાં શ્યામાં પ્રસાદ મુખર્જી સ્કૂલ નંબર 69માં 91, પ્રિયદર્શની સ્કૂલ નંબર 96માં 69 તો તિરુપતિ પ્રાથમિક સ્કૂલમાં 67 વિદ્યાર્ઓએ સરકારી સ્કૂલમાં અપાતા શિક્ષણથી આકર્ષિત થઈને ત્યાં એડમિશન મેળવ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના 11 તાલુકાઓની સરકારી પ્રાથમિક 845 સ્કૂલોમાં 1510 અને માધ્યમિકમાં 154 મળી કુલ 1664 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો છે કે જેઓ અગાઉ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.