અમદાવાદ, 30 જુન, 2026 : 3.18 crores fraud to release 11 crores of Angadiya firm શહેરમાં એક આંગડિયા પેઢીમાં ડિસેમ્બર 2024માં ઈડીએ રેડ પાડીને બિન-હિસાબી મનાતી રૂપિયા 11 કરોડની રકમ જપ્ત કરવામાં આવી હતી. આ જપ્ત કરેલી રકમ છોડાવવા પાંચ શખસોએ 40 ટકા કમિશન નક્કી કર્યું હતું. જેમાંથી ટોકન પેટે 3.18 કરોડ મેળવ્યા પણ હતા.જોકે કમિશન મેળવીને EDએ જપ્ત કરેલી રકમ છોડવી ન આપીને ઠગાઈ કરતા આંગડિયા પેઢીના માલિકે વકીલ સહિત પાંચ શખ્સો સામે ક્રાઈમ બ્રાન્ચના ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના કહેવા મુજબ, શહેરના શાહીબાગમાં રહેતા સાંકળચંદ વિષ્ણુ કાંતિ નામની આંગડિયા પેઢી ચલાવે છે. ડિસેમ્બર 2024માં તેમની આંગડિયા પેઢીમાં ઈડીની રેડ થઈ હતી. જેમાં 11.10 કરોડ રોકડ મળી આવતા ઈડી દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. દરમિયાન વિજય પટેલ નામના વ્યક્તિએ ઈડી દ્વારા જપ્ત કરવામાં આવેલા પૈસા વહીવટ કરાવી કઢાવી આપવાનું જણાવ્યું હતું. વિજય પટેલે પોતાની મોટી ઓળખાણ હોવાનું કહીને ત્રણથી ચાર મહિનામાં પૈસા પરત લાવી આપીશ એવું આશ્વાસન આપ્યુ હતું. દરમિયાન વિજય પટેલ એવું પણ કહ્યું હતું કે, ઈડીની ઓફિસ આવીને આ તમામ રકમ મારા નામે ડિકલેર કરી આપો તો રકમ છોડાવી દઈશ.ત્યારબાદ બાદ વિજય પટેલે હાઇકોર્ટના સામે આવેલા વકીલ સુધાંશુ ઝાની ઓફિસે લઈ જઈ ઈડીનો કેસ પૂરો કરવા અને પૈસા છોડાવવા 40% ખર્ચ થશે તેવું જણાવ્યું હતું. જેમાં સાંકળચંદ પટેલ સહમત થયા હતા. જે બાદ સાંકળચંદ પટેલે ટુકડે ટુકડે 3.18 કરોડ રૂપિયા આપ્યા હતા.
ત્યારબાદ વિજય પટેલે જણાવ્યું હતું કે, ઈડીએ જપ્ત કરેલા રૂપિયા મારા હોવાનું કરાર કરી આપવો પડશે. વિજય પટેલના કહેવાથી પૈસાનો કરાર દર્શન વેદ નામના વ્યક્તિના નામે કરી આપ્યો હતો. કરાર કર્યો અને કમિશન પણ આપ્યું પરંતુ લાંબા સમય સુધી જપ્ત કરેલા પૈસા પરત ના લઈ આપતા સાંકળચંદ પટેલે વિજય પટેલ પાસેથી પૈસા પરત માંગ્યા હતા,જે પૈસા પરત ના આપતા સાંકળચંદ પટેલે વિજય પટેલ, દર્શન વેદ,સુધાંશુ ઝા, પ્રવીણ ભાનુશાલી અને વિરાટ સિંહ એમ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

