Site icon Revoi.in

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ઈકોકાર ટ્રક પાછળ ઘૂંસી જતા 3નાં મોત, 4ને ઈજા

Social Share

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં હાઈવે પર રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ગત મોડી રાત્રે ધ્રાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ નજીક હાઈવે પર ઈકો કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકોકારમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈને પી.એમ. માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા ણળી છે કે, ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદ ખાતે એક લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. જે લગ્ન પ્રસંગ પતાવીને પરત ધ્રાંગધ્રા જઇ રહ્યો હતો, ત્યારે મોડી રાત્રે ધ્રાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ પાસે હાઈવે પર ઈકો કારે ટ્રકની પાછળ ઘૂંસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત સમયે કારમાં સાત લોકો સવાર હતા, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.  અને ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ. શાહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારનો ભુક્કો બોલી ગયો હતો. કારનાં પતરાં ચીરીને મૃતદેહોને બહાર કઢાયા હતા. આ અકસ્માતમાં મૃતકોનાં નામ પ્રફુલાબેન ગિરીશભાઈ મારુ (ઉ.વ 56), વિશાલભાઇ કમલેશભાઈ મારુ (ઉ.વ. 24), અને કિશોરભાઈ મોહનભાઈ ડાભી (ઉ.વ. 65) નો સમાવેશ થયા છે. જ્યારે ઇજાગ્રસ્તોમાં  ચેતનાબેન કમલેશભાઈ મારુ (ઉ.વ. 40) ભાવિનભાઈ ગિરીશભાઈ મારુ (ઉ.વ. 28) કૌશલભાઈ ભાવિનભાઈ મારુ (ઉ.વ. 9) અને કમલેશભાઈ ખીમજીભાઇ મારુ (ઉ.વ. 55)નો સમાવેશ થાય છે. આ બનાવમાં પોલીસે અકસ્માતનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.