Site icon Revoi.in

લીંબડી હાઈવે પર ખાણ-ખનીજ વિભાગની જીપને ટ્રકે ટક્કર મારતા 3 અધિકારીઓને ઈજા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર જુદા જુદા અકસ્માતના બે બનાવો બન્યા હતા. જેમાં પ્રથમ અકસ્માતનો બનાવ હાઈવે પર લીંબડીના જાખણ નજીક સર્જાયો હતો. અજાણ્યા આઈશર ટ્રકના ચાલકે ખાણ ખનીજ વિભાગની સરકારી જીપને ટક્કર મારી હતી. અકસ્માત બાદ આઈશર ટ્રકનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ખાણ-ખનીજ વિભાગના ત્રણ અધિકારીઓને ઈજાઓ થઈ છે. જ્યારે બીજો અકસ્માતનો બનાવ સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર ઢેઢુકી ટોલનાકા પાસે સર્જાયો હતો. આ ટ્રિપલ અકસ્માત. ટ્રક, ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો હતો જો કે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. પણ ત્રણેય વાહનોને નુકસાન થયું હતું. અકસ્માતને લીધે 8 કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, અમદાવાદ રાજકોટ હાઈવે પર લીંબડી નજીક જાખણ પાસે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સરકારી જીપમાં જઈ રહ્યા હતા. ત્યારે પૂરઝડપે આવેલા આઈસર ટ્રકે જીપને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ખાણ ખનીજ વિભાગના ત્રણ અધિકારીઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત અધિકારીઓમાં હરપાલભાઈ મશાણી, રમેશભાઈ ભોપાભાઈ અને પ્રવીણભાઈ લાલજીભાઈનો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડીની આર.આર. સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. અને ફરાર થયેલા આઈશર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જ્યારે અકસ્માતનો બીજો બનાવ સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર ઢેઢુકી ટોલનાકા પાસે સર્જાયો હતો આ ટ્રિપલ અકસ્માત ટ્રક, ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો હતો આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. જો કે, વાહનોને નુકસાન થયું છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને કારણે હાઈવે પર બંને તરફ 8 કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી. વાહનો સામસામે આવી જતાં અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી.

આ બનાવની  સાયલા પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઢેઢુકી ટોલનાકા પાસે વારંવાર અકસ્માત સર્જાતા હોવાથી સ્થાનિક લોકોએ ટોલનાકાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે. આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો પણ વારંવાર થતા અકસ્માતોથી ચિંતિત છે.