Site icon Revoi.in

સુરતમાં વરાછા ઓવરબ્રિજ પર ટ્રેકટર પાછળ બાઈક અથડાતા પિતા-પૂત્ર સહિત 3ના મોત

Social Share

સુરત,1 માર્ચ 2026:   3 killed as bike hits tractor in Surat શહેરના વરાછા વિસ્તારમાં હીરાબાગથી કામરેજ તરફ જતા વરાછા ઓવરબ્રિજ પર બંધ હાલતમાં ઉભેલા ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા બાઈકસવાર પિતા પુત્ર અને ભત્રીજા સહિત ત્રણના મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના વરાછા વિસ્તારમાં હીરાબાગથી કામરેજ તરફ જતા ઓવરબ્રિજ પર ગત રાત્રે આશરે 11.30 વાગ્યાના સુમારે શૈલેષભાઈ માણીયા (રહે. પાસોદરા) પત્ની કૃપાબેન અને પુત્ર મન અને ભાઈ વિજયનો પુત્ર મંત્ર સાથે બાઈક પર જઈ રહ્યાં હતા. ત્યારે ઓવરબ્રિજ પર અંધારામાં કોઈ પણ પ્રકારના રિફ્લેક્ટર કે સાઈન બોર્ડ વગર એક ટ્રેક્ટર બંધ હાલતમાં ઉભું હતું. અંધારાને કારણે ટ્રેક્ટર ન દેખાતા શૈલેષભાઈની બાઈક સીધી ટ્રેક્ટર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે પરિવારના ચારેય સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રાહદારીઓની મદદથી તાત્કાલિક તમામને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. મન અને મંત્ર બંને ભાઈઓને વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન શૈલેષભાઈનું પણ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જ્યારે કૃપાબેન ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ મામલે મૃતક શૈલેષભાઈના કાકા નાનજીભાઈ ગોગનભાઈ માયાણીએ અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ટ્રેક્ટર ચાલકે બેદરકારીપૂર્વક ઓવરબ્રિજ પર કોઈ પણ સુરક્ષા ચિહ્નો રાખ્યા વગર વાહન ઉભું રાખી બીજાની જિંદગી જોખમમાં મૂકી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર ટ્રેક્ટર ચાલક પકડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગૌશાળાથી કાપોદ્રા સુધી નવા બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કામ અર્થે ટ્રેક્ટરને વરાછા ઓવરબ્રિજ પર લઈ જવામાં આવ્યું હતું અને કામગીરી કરવામાં આવી રહી હતી. રાત્રિના સમયે બાઇક ચાલક પરિવાર બ્રિજ પર ઉભેલા આ ટ્રેક્ટર માં ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. હાલ તો ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ કરવામાં આવી છે.

Exit mobile version