નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસે અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન થયેલી પથ્થરબાજીની ઘટનામાં દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બોડી-વોર્ન કેમેરાની મદદથી 30 તોફાનીઓની ઓળખ કરી લીધી છે. આ કેસમાં હવે સમાજવાદી પાર્ટીના સાંસદ મોહિબુલ્લાહ નદવીની મુશ્કેલીઓ પણ વધી શકે છે, કારણ કે હિંસા પહેલા તેમની હાજરીને લઈને પોલીસ તેમને સમન મોકલી પૂછપરછ કરવાની તૈયારીમાં છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાંસદ નદવીને ઘટનાસ્થળથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી હતી, તેમ છતાં તેઓ હિંસા ફાટી નીકળી તે પહેલાં ત્યાં હાજર હતા. પોલીસ તપાસ કરી રહી છે કે ભીડને ઉશ્કેરવામાં તેમની કોઈ ભૂમિકા હતી કે કેમ. અત્યાર સુધીમાં આ કેસમાં મોહમ્મદ શાહનવાઝ, મોહમ્મદ આરીબ સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
FIR મુજબ, બપોરે 12.40 વાગ્યે જ્યારે નિગમની ટીમ પોલીસ સાથે અતિક્રમણ હટાવવા પહોંચી ત્યારે 30-35 લોકોનું ટોળું એકઠું થયું હતું. પોલીસે વારંવાર સમજાવ્યું હતું કે આ કાર્યવાહી માત્ર ગેરકાયદે બાંધકામ પર છે અને મસ્જિદને કોઈ નુકસાન પહોંચાડવામાં આવશે નહીં. જોકે, ટોળાએ ઉશ્કેરણીજનક નારા લગાવી પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. જેમાં અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયાં હતા. આ ઘટનામાં પોલીસે મોહમ્મદ શાહનવાઝ, મોહમ્મદ આરીબ, મોહમ્મદ કાસિફ, મોહમ્મદ અદનાન અને મોહમ્મદ કૈફની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યાં છે.


