
એલડી એન્જિનિયરિંગ કોલેજના 332 વિદ્યાર્થીઓને રૂ.10 લાખ સુધીના પેકેજથી નોકરીની ઓફર
અમદાવાદઃ શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજના 2022માં છેલ્લા વર્ષમાં પાસ થયેલા 332 વિદ્યાર્થીને વાર્ષિક રૂ.4.5 લાખથી માંડી રૂ.10 લાખ સુધીનું પેકેજ ઓફર થયું છે. ગત વર્ષના પ્લેસમેન્ટમાં રૂ.3 લાખના જોબ પેકેજ ઓફર થયું હતું. શિક્ષણ માટે એલડી એન્જિનિયરિંગ કોલેજની ગુજરાત જ નહીં દેશભરમાં નામના છે. અને એલડી કોલેજનું પ્લેસમેન્ટ પણ કાયમ ઊચું રહેતુ હોય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજના જે 332 વિદ્યાર્થીને જોબ ઓફર થઈ છે એમાં આશરે 250થી વધુને વાર્ષિક રૂ. 6થી 7 લાખનો પગાર મળશે, જ્યારે ચાર વિદ્યાર્થીઓ એવા છે, જેમને વાર્ષિક રૂ. 10 લાખનું જોબ પેકેજ ઓફર થયું છે. અંદાજે 76 વિદ્યાર્થી એવા છે, જેમને વાર્ષિક રૂ. 4.5 લાખથી રૂ. 6 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર કરાયું છે. એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્લેસમેન્ટ સેલે 2022માં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પ્રથમ તબક્કાનો પ્રારંભ કર્યો છે. વિવિધ સેક્ટરની કંપનીઓ સાથેના સંકલનથી પ્લેસમેન્ટમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓની સંમતિ લેવામાં આવી હતી. એ પછીથી લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓની ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી પ્લેસમેન્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિવિધ સેક્ટરની 17 જેટલી કંપનીઓ પાસેથી ઈજનેરી શાખાના ફાઈનલ યરના વિદ્યાર્થીઓ સારા પેકેજ સાથેની જોબ ઓફર મેળવી શક્યા છે. એમ જી મોટર્સ, શાપુરજી પાલનજી , પોંગા, એસેન્ચર, હોપ્સ સ્કોચ, મારુતિ ટેકલેબ, એલ એન્ડ ટી, અતુલ, એફએક્સ ડેટા લેબોરેટરી, ટીસીએસ, ઈન્ફોચિપ સહિતની કંપનીઓએ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો.
અમદાવાદ જ નહીં સમગ્ર ગુજરાત અને દેશમાં એલ.ડી એન્જિનિયરિંગ કોલેજનું નામ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે જાણીતું છે. એલડી એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ ડો. રાજુલ ગજ્જરે જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિમાં ઈન્ડસ્ટ્રીએ સારા જોબ પેકેજ ઓફર કર્યા છે. પ્લેસમેન્ટને લીધે વિદ્યાર્થીઓને સારી જોબ મળી છે. જ્યારે કંપનીઓને સારી સ્કિલનો લાભ મળી શક્યો છે. એલડીના પ્લેસમેન્ટ કો-ઓર્ડિનેટરે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાના પ્લેસમેન્ટમાં વિવિધ ક્ષેત્રની 17 કંપનીએ ભાગ લીધો છે, જેમાં જોબ પ્રોફાઈલ, જોબ પેકેજ, વિદ્યાર્થીઓની લઘુતમ લાયકાત સહિતનાં પાસાં ધ્યાનમાં લેવાયાં હતાં. ઓનલાઈન ટેસ્ટ, ગ્રુપ ડિસ્કશન, પર્સનલ ઈન્ટરવ્યુથી વિદ્યાર્થીઓને સારા પગાર સાથેની જોબ ઓફર થઈ છે. (File photo)