Site icon Revoi.in

ગુજરાતની ધો. 1 થી 8ની તમામ શાળામાં 360 ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મુકાશે

Social Share

ગાંધીનગરઃ શિક્ષણમાં ગુણવત્તા વધારવા, શિક્ષણ પ્રણાલીને વધુ સરળ બનાવી ભણતરની સાથે બાળકમાં અન્ય કૌશલ્યો વિકસે તેમનું સર્વગ્રાહી મૂલ્યાંકન થાય તે હેતુથી ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું- શાળા શિક્ષણના માર્ગદર્શન હેઠળ ગુજરાતે 360° સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલભાઈ પાનસેરીયાના નેતૃત્વમાં આગામી સમયમાં રાજ્યની ધો. 1 થી 8 તમામ શાળાઓમાં આ માળખાનો અમલ કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણવિદ ડો. જયેન્દ્રસિંહ જાદવની અધ્યક્ષતામાં શિક્ષણ નિષ્ણાતોની સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિએ પોતાનો અહેવાલ મુખ્યમંત્રીને સોંપ્યો હતો. તેને આધારે હવે રાજ્યમાં 360 ડિગ્રી મૂલ્યાંકનનો ચાલુ વર્ષથી અમલ થશે.  આ મૂલ્યાંકન પદ્ધતિ વિદ્યાર્થીઓના જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો, વર્તન, સહયોગ અને અભિગમનું મૂલ્યાંકન કરીને શિક્ષણને વધુ સમાવેશી અને વ્યાપક બનાવશે.

આ નવી પદ્ધતિ પરંપરાગત માર્ક્સ આધારિત મૂલ્યાંકનથી થોડી અલગ છે. હવે વિદ્યાર્થીઓની માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ જ નહીં, પરંતુ બોધાત્મક (Cognitive), ભાવનાત્મક (Affective) અને મનોગામિક (Psychomotor) ક્ષેત્રોમાં પણ સર્વાંગી વિકાસનું મુલ્યાંકન કરવામાં આવશે. શિક્ષક, સહપાઠી, વાલીઓ અને વિદ્યાર્થી એમ ચાર વ્યક્તિઓ દ્વારા એક હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ-HPC તૈયાર કરાશે, જે માત્ર પરિણામ નહીં, પણ વિદ્યાર્થીની પ્રગતિનું દર્પણ બનશે. શિક્ષકોને આ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે.

નવી મૂલ્યાંકન પદ્ધતિનો મુખ્ય હેતુ મૂલ્યાંકન શીખવાના એક સાધન તરીકે પ્રયોજાય તેવો છે એટલે કે, માત્ર પરીક્ષાની તૈયારી નહીં પરંતુ જીવન જીવવા માટે જરૂરી કૌશલ્યને વિકસાવવાનું પ્રોત્સાહન. આ અભિગમથી વિદ્યાર્થીઓમાં જવાબદારી, સ્વજાગૃતિ અને સતત સુધારા તરફનો અભિગમ વિકસશે.

આ નવા માળખામાં શિક્ષકોના ડેટા એન્ટ્રીના ભારણને ઘટાડવા અને વિદ્યાર્થીઓ પર વારંવારની લેખિત કસોટીઓનો બોજ હળવો કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. એકમ કસોટીનું સ્વરૂપ બદલીને તેને વધુ સરળ, ઉપયોગી અને વિદ્યાર્થી-કેન્દ્રિત બનાવાઈ છે. તો ચાલો સમજીયે આ નવા શૈક્ષણિક માળખાને.

૩૬૦° સર્વગ્રાહી મૂલ્યાંકનની સંકલ્પના

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં 360 ડિગ્રી મૂલ્યાંકનનો અર્થ માત્ર શૈક્ષણિક સિદ્ધિનું મૂલ્યાંકન કરવાનો નથી, આનો અર્થ ઘણો વ્યાપક છે. આમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખવામાં આવશે, જેમાં બોધાત્મક (Cognitive-જ્ઞાનાત્મક), ભાવનાત્મક (affective), અને મનોગામિક (Psychomotor) જેવા પાસાઓ સમાવિષ્ટ છે.

શિક્ષકસહપાઠીવાલી અને વિદ્યાર્થી — પ્રગતિનું સર્વાંગી પ્રતિબિંબ

શિક્ષક દ્વારા મૂલ્યાંકન: શિક્ષક વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શન, વર્ગખંડની પ્રવૃત્તિઓમાં ભાગીદારી, શીખવાની રીત અને વર્તનનું અવલોકન કરીને મૂલ્યાંકન કરશે.

સહપાઠી દ્વારા મૂલ્યાંકન: વિદ્યાર્થીઓ એકબીજાના પ્રદર્શન, સહકારયુક્ત વર્તન અને ટીમ વર્કમાં ભાગીદારીનું મૂલ્યાંકન કરે છે. આનાથી વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના અને પરસ્પર સમજણ વધશે.

વાલીઓ દ્વારા મૂલ્યાંકન: ઘરે વિદ્યાર્થીના વાલી ભણાવવાના વાતાવરણ, રસ, શોખ અને વર્તન વિશે પ્રતિસાદ આપશે, જે શાળાને વિદ્યાર્થીના સર્વગ્રાહી વ્યક્તિત્વને સમજવામાં મદદ કરશે.

સ્વ-મૂલ્યાંકન: વિદ્યાર્થીઓ પોતે પણ પોતાના પ્રદર્શન, શક્તિઓ અને સુધારા માટેનાં ક્ષેત્રોનું મૂલ્યાંકન કરશે. વિદ્યાર્થીના સ્વ-જાગૃતિ અને સ્વ-વિકાસ માટે આ ખૂબ જ અગત્યનું છે.

હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડથી સર્જનાત્મકતાજવાબદારી અને આત્મવિશ્વાસનું સંવર્ધન થશે

હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC): આ કાર્ડમાં વિદ્યાર્થીઓના બોધાત્મક, ભાવનાત્મક અને મનોગામિક વિકાસની વ્યાપક માહિતી નોંધાશે. આ મૂલ્યાંકનમાં શિક્ષક, સહપાઠી, વાલી અને વિદ્યાર્થી પોતે સામેલ થશે, જેનાથી વિદ્યાર્થીની શક્તિઓ અને સુધારણાના ક્ષેત્રોની સ્પષ્ટ સમજણ મળશે. આ પ્રક્રિયા ગોખણપટ્ટીને બદલે વિચારશીલતા, સર્જનાત્મકતા અને સહકાર જેવા કૌશલ્યોને પ્રોત્સાહન આપશે.