Site icon Revoi.in

સરકારી અને ગ્રાન્ટેડ 39000 શાળાઓનું 30મી ડિસેમ્બરથી કરાશે મૂલ્યાંકન

Social Share

ગાંધીનગરઃ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કેવું શિક્ષણ આપવામાં આવે તેની પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. ગામડાંઓની ઘણીબધી શાળાઓ એવી છે. કે, ધોરણ 7ના વિદ્યાર્થીઓ પોતાની જ માતૃભાષા ગુજરાતીમાં વાંચી પણ શકતા નથી. શિક્ષકો જ બાળકોને સારૂ શિક્ષણ આપે તે માટે સરકારે મૂલ્યાંકન પ્રથા અમલી બનાવી છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર સહિતના વિવિધ જિલ્લાઓમાં આવેલી સરકારી-ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક-માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમ જ આશ્રમ શાળાઓ મળીને 39 હજાર શાળાઓમાં 30 ડિસેમ્બરથી 2024-25 સ્કૂલ મૂલ્યાંકન (સ્કૂલ એક્રેડિટેશન)નો પ્રારંભ થશે. શાળાઓ પોતાની રીતે 30 ડિસેમ્બરથી 18મી જાન્યુઆરી દરમિયાન સ્વ મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરશે. આ સ્કૂલોની સ્વ મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 33 ટકા સુધીનું પરિણામ ધરાવતી 13 હજાર શાળાઓનું જાન્યુઆરીથી મે સુધીમાં ક્રોસ વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરાશે. આ સાથે સ્વ મૂલ્યાંકન, વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન, ડેટા આધારિત મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરાશે.

શિક્ષણ વિભાગના સૂત્રોના કહેવા મુજબ શાળાઓમાં સ્વ મૂલ્યાંકન અને વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકનની કામગીરી પ્રતિ વર્ષ હાથ ધરવામાં આવે છે. જીસીઈઆરટીએ તૈયાર કરેલી માર્ગદર્શિકા અનુસાર સ્કૂલોમાં સ્વ મૂલ્યાંકન, વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન, ક્રોસ વેરિફિકેશનનો સમાવેશ કરાયો છે. તેમજ આચાર્યો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કૃપા જહા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં રાયખડ ખાતે સ્કૂલ એક્રિડિટેશન 2024-25 તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તકની 300થી વધુ સ્કૂલોના 241 આચાર્યો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તાલીમ ભવનના પ્રાચાર્ય શૈલેશ બાવા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાજ્ય કક્ષાએથી નોડલ ઓફિસર અંકિત ઠાકોરે ઉપસ્થિત રહીને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (એસએસઆઈપી) 2.0ની વિગતવાર સમજૂતી આપી હતી.