Site icon Revoi.in

સુરેન્દ્રનગરની જેલમાં 4 મોબાઈલ ફોન સહિત પ્રતિબંધિત સામાન પકડાયો

Social Share

સુરેન્દ્રનગર, 4 ફેબ્રુઆરી 2026:  જિલ્લાની સબ જેલમાં ફરી એકવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. જેલની બેરેક નંબર 3માં આવેલા ટોયલેટમાંથી ખાડો ખોદીને છુપાવેલા ચાર મોબાઈલ ફોન સહિત કુલ 1300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેલરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કેદીઓની પૂછતાછ શરૂ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, સુરેન્દ્રનગર શહેરમાં આવેલી સબ જેલના જેલર એફ.એસ. મલેક અને તેમની ટીમે જેલમાં અચાનક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન બેરેક નંબર 3ના ટોયલેટમાં જમીનમાં ખાડો કરીને દાટેલી હાલતમાં 4 મોબાઈલ ફોન સહિત પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ત્રણ કીપેડવાળા મોબાઈલ ફોન, એક એન્ડ્રોઈડ ફોન, એક ચાર્જર અને એક હેન્ડસ ફ્રીનો સમાવેશ થાય છે. આ મોબાઈલ ફોન કોના હતા તે અંગે કેદીઓને પૂછપરછ કરતા કોઈએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આથી, જેલરે અજાણ્યા કેદીઓ વિરુદ્ધ શહેરના એ ડિવિઝન પોલીસ મથકે પ્રિઝન એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એચ.એસ. જાડેજા ચલાવી રહ્યા છે.

નોંધનીય છે કે સુરેન્દ્રનગર સબ જેલમાં અગાઉ પણ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાના બનાવો બન્યા છે. ભૂતકાળમાં હાથ-પગના મોજાનો દડો બનાવી અને સેલોટેપનો ઉપયોગ કરીને મોબાઈલ મંગાવવામાં આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

સુરેન્દ્રનગરની જેલમાં  તાજેતરમાં કેદીઓએ એકબીજા પર હુમલો કરતા યાકુબ પઠાણ, અજીત મકવાણા અને ચેતનસિંહને ઇજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત આરોપીઓ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય બંદોબસ્તમાં પી.આઇ. સહિતનો સ્ટાફ ગોઠવતા સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગઇ છે. સુરેન્દ્રનગર સબ જેલમાં ૧૨૫ની ક્ષમતા સામે ૩૦૦થી વધુ કેદીઓ હોવાને કારણે અવારનવાર ઘર્ષણ થતું રહે છે. .

Exit mobile version