1. Home
  2. ગુજરાતી
  3. ISI-મુંબઈ અંડરવર્લ્ડ મોડ્યુલ કેસમાં અહલ્યાનગરથી 4 શંકાસ્પદો ઝડપાયા,પાક. કનેક્શનની તપાસ
ISI-મુંબઈ અંડરવર્લ્ડ મોડ્યુલ કેસમાં અહલ્યાનગરથી 4 શંકાસ્પદો ઝડપાયા,પાક. કનેક્શનની તપાસ

ISI-મુંબઈ અંડરવર્લ્ડ મોડ્યુલ કેસમાં અહલ્યાનગરથી 4 શંકાસ્પદો ઝડપાયા,પાક. કનેક્શનની તપાસ

0
Social Share

મુંબઈ, 5 જૂન 2026: મહારાષ્ટ્રમાં પાકિસ્તાન પ્રેરિત અંડરવર્લ્ડ નેટવર્ક અને સ્થાનિક રાજકીય દુશ્મનીના એક સનસનાટીભર્યા મામલામાં મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડએ પોતાની તપાસનો ગાળિયો મજબૂત કર્યો છે. આ કેસની કડીઓ જોડતા એટીએસની ટીમે અહલ્યાનગર (જૂનું નામ અહમદનગર) જિલ્લાના શ્રીરામપુર વિસ્તારમાંથી 4 યુવકોને કસ્ટડીમાં લીધા છે. એટીએસના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ ચારેય શંકાસ્પદોની 10 કલાકથી વધુ સમય સુધી સઘન પૂછપરછ કરવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન એટીએસની ટીમે તમામ શંકાસ્પદોના મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, એટીએસની તપાસના કેન્દ્રમાં પાકિસ્તાનમાં આશરો લઈ રહેલો ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી અને તેનો અત્યંત નજીકનો સાથીદાર રાના અવીમ ઉર્ફે “રાના ભાઈ” છે. તપાસ એજન્સીઓને પાકી શંકા છે કે રાના ભાઈ પાકિસ્તાનથી બેઠા-બેઠા મહારાષ્ટ્રમાં પોતાનું નેટવર્ક વિસ્તારવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને આ માટે તે સોશિયલ મીડિયા દ્વારા સ્થાનિક યુવકોના સંપર્કમાં હતો. એટીએસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ યુવકોને મહારાષ્ટ્રના એક સ્થાનિક રાજકીય નેતાની જાસૂસી કરવા અને તેની હિલચાલ પર નજર રાખવા માટે કોઈ સોપારી કે કામ આપવામાં આવ્યું હતું કે કેમ.

  • પુણે બ્લાસ્ટના આરોપી બંટી જહાગીરદારની હત્યા સાથે કનેક્શન

એટીએસની તપાસ ત્યારે વધુ વેગવંતી બની જ્યારે અહલ્યાનગર જિલ્લાના શ્રીરામ સંઘના પ્રમુખ સાગર બેગને સોશિયલ મીડિયા પર શહઝાદ ભટ્ટી અને રાના ભાઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી. આ ધમકીઓ ગુનાહિત ચહેરો ગણાતા બંટી જહાગીરદાર ઉર્ફે અસલમ શબ્બીર શેખની હત્યા બાદ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બંટી જહાગીરદાર વર્ષ 2012માં થયેલા પુણે જે.એમ. રોડ સિરિયલ બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી હતો અને હત્યાના સમયે જામીન પર બહાર હતો. ગયા વર્ષે 31 ડિસેમ્બર 2025ના રોજ શ્રીરામપુરની સેન્ટ લ્યુક હોસ્પિટલ નજીક જહાગીરદારની ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસની એફઆઈઆરમાં સાગર બેગ અને તેના ભાઈઓના નામ પણ સામેલ છે. તપાસકર્તાઓનું માનવું છે કે આ હત્યા પાછળ વિસ્તારની જૂની ગુનાહિત અને રાજકીય દુશ્મની જવાબદાર હોઈ શકે છે.

  • સોશિયલ મીડિયા પર પાકિસ્તાની આકાઓ સાથે સંપર્ક

એટીએસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે કસ્ટડીમાં લેવાયેલા ચારેય યુવકો સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સ (જેવી કે ટેલિગ્રામ કે સિગ્નલ) પર પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીને ફોલો કરી રહ્યા હતા. એજન્સીને એવા પણ પુરાવા મળ્યા છે કે આ યુવકો સાથે રાના ભાઈએ સીધો સંપર્ક સાધ્યો હતો. એટીએસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે તપાસ કરી રહ્યા છીએ કે શું આ યુવકોને ગેંગમાં નવા સભ્યોની ભરતી માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા? શું તેમને સાગર બેગના ઘર, ઓફિસ કે અન્ય સંવેદનશીલ સ્થળોની રેકી (માહિતી એકત્ર કરવા) કરવાનું કામ સોંપાયું હતું?”

એટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ, આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય ત્રણ યુવકોની પણ ઓળખ કરી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેમની પણ ધરપકડ કે પૂછપરછ થઈ શકે છે. હાલમાં એજન્સી એ શોધવામાં વ્યસ્ત છે કે પાકિસ્તાની હેન્ડલર્સ અને મુંબઈ અંડરવર્લ્ડ વચ્ચેનો આ સંપર્ક માત્ર ઓનલાઈન વાતો પૂરતો મર્યાદિત હતો કે પછી મહારાષ્ટ્રમાં કોઈ મોટા આતંકી કે ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે સ્લીપર સેલ તૈયાર કરવામાં આવી રહ્યા હતા.

(PHOTO-FILE)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code